ગુજરાતમાં કોંગ્રેસ આશરે ત્રણ દાયકા થયે સત્તાથી દૂર છે. ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યા બાદ કોંગ્રેસે વિધાનસભામાં સત્તાનો સ્વાદ ચાખ્યો નથી. કોઈપણ પક્ષનું અંતિમ ધ્યેય સત્તાપ્રાપ્તિનું હોય એ સ્વાભાવિક છે. પક્ષની બધી પ્રવૃતિઓ, કાર્યકતાઓની તાલીમ, અને આયોજનો એ ધ્યેયને લક્ષમાં રાખીને કરવામાં આવતા હોય છે. પણ ગુજરાત કોંગ્રેસે એ ધ્યેય ભૂલી ચુકી હોય એવું લાગી રહ્યું છે. સત્તામાં આવવાના એના આયોજન કે ઈચ્છા દેખાતી નથી. છેલ્લા ત્રણ દાયકામાં કોંગ્રેસ રાજ્યકક્ષાના સ્તરનો એક પણ પ્રભાવશાળી નવો નેતા પેદા કરી શકી નથી. કરચલી વાળા ઝભ્ભાઓ પહેરેલા એ જ સ્વામિભક્ત છાપ જુના ખંડેર જેવા નેતાઓ આંટા મારી રહ્યા છે. જેને એક બે નામના ઇન્ફેકશન લાગેલા છે. સતત સત્તામાં રહેવા માટે સતત નવા નેતાઓની હરોળને મોકો આપવો જરૂરી છે. નવી નેતાગીરી પેદા કરવામાં કોંગ્રેસમાં એક બોટલનેક આવી ગયું છે. દેશમાં બંધારણની દુહાઈ આપતા રહેતા પક્ષનું પોતાનું આંતરિક બંધારણ ખોરંભે ચઢી ગયું છે. ડૂબતી સ્ટીમરમાંથી જેમ ઉંદર કુદે તેમ નેતાઓ કેન્દ્રીય અને સ્થાનિક સ્તરે પક્ષ છોડીને ભાગી રહ્યા છે. પક્ષની નીતિઓ, અને નેતાગીરીનું કેન્દ્રબિંદુ આકર્ષણના બદલે અપાકર્ષણ ધરાવતું હોય એવું ફલિત થઇ રહ્યું છે, મતદાર અને કાર્યકર્તા સતત મોઢું ફેરવી રહ્યો છે. બધા ગણિતિક સમીકરણો ઉપયોગમાં લઇ લેવા છતાં કોંગ્રેસનો એક દાખલો સાચો સાબિત નથી થઇ રહ્યો. કોંગ્રેસે એક વ્યક્તિને જાળવી રાખવા નવી પેઢીની નેતાગીરીની એક આખી કતાર ગુમાવી દીધી છે, જે એક સમયે કોંગ્રેસનું ઉજ્જવળ ભવિષ્ય હતી. કોંગ્રેસની નિષ્ફળતા આત્મચિંતન અને આત્મમંથન જેવા શબ્દોની આરપાર છટકી ગઈ છે. હવે જે કરવાનું રહે છે એ છે આત્મખોજ.

હિન્દુસ્તાન આઝાદ થયા પછીથી જે મુદ્દાઓ વર્ષોથી વણઉકેલ્યા હતા, જે મુદ્દાઓ અંગ્રેજો સળગતા છોડી ગયા હતા, જે મુદ્દાઓ બે પ્રજાના ધાર્મિક ઘર્ષણમાંથી પેદા થયા હતા, જે રાજકીય ઓથ અને પોષણ પામીને છોડમાંથી વટવૃક્ષ બની ગયા હતા. જેને છંછેડવાથી મહારક્તપાત થઇ જશે એવો પ્રચાર પ્રસાર સતત ફોકસમાં રહેલો હતો. જે સમસ્યાઓ સળગતી જોતા જોતા હિન્દુસ્તાનની બે પેઢીઓ પસાર થઇ ચુકી હતી. જે સમસ્યાઓના ઉકેલની ઉંચાઈ રાજકીય પ્રોપેગેન્ડા દ્વારા અસંભવ સુધી લઇ જવામાં આવી હતી. એ સમસ્યાઓ ત્રણ ચાર વર્ષના ટૂંકા ગાળામાં ઉકેલ પામી ગઈ. હિન્દુસ્તાનના દરેક નાગરિકના મનમાં સવાલ થવો સ્વાભાવિક હતો કે આમ કેમ થયું ? જેનો કશો નિવેડો જ નથી એમ કહેવાતું હતું એ સવાલ થોડા સમયમાં જ કેમ નિરાકરણ પામી ગયા ? જો આ રાજકીય સફળતા હતી તો અગાઉ નહોતું થઇ શક્યું એ રાજકીય અસફળતા હતી ? જો હા, તો કોંગ્રેસની નેતાગીરી સવાલોના વર્તુળમાં આવી જાય છે. કારણકે આઝાદી બાદ સૌથી વધુ સત્તામાં કોંગ્રેસ રહી હતી. સરદાર સરોવરથી લઈને રામમંદિર, CAA – NRC, ૩૭૦ – GST, પોટા રદ્દ કરવાથી લઈને બાટલા હાઉસ સહાનુભુતિ, અલગાવવાદ અને ટુકડે ગેંગને સમર્થન જેવા મુદ્દાઓ પર કોંગ્રેસની માનસિકતા સતત ઉઘાડી પડતી ગઈ. જેની અસરો કેન્દ્રીય ઉપરાંત સ્થાનિક સ્તરે ઉતરી આવી. કોંગ્રેસની સત્તાનો પરિઘ સતત સંકોચાતો ગયો. બહુસંખ્યકની સહસ્ત્ર વર્ષોની આસ્થાને સતત ઠોકર મારતા રહેવાની નીતિ અને માનસિકતા દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીને ભરખી ગઈ. આતંકવાદ રોકવામાં નિષ્ફળ રહેલ પક્ષ ભગવા અને હિંદુ આતંકવાદના ખ્યાલ સુધી પહોચી ગયો. એ ભૂલીને કે દેશની વસ્તીનો એ એંસી ટકા હિસ્સો છે. એક પક્ષ કે વ્યક્તિનો વિરોધ સામે દેશની અખંડીતતા અને સાર્વભૌમને ન મૂકી શકાય.

મતદારની પેઢી બદલે ત્યારે કોઈપણ પક્ષે નીતિઓ બદલીને એ પેઢીને અનુરૂપ અને મિજાજ પ્રમાણે નીતિઓ અખત્યાર કરવી પડે છે. જે સાંપ કાચળી નથી ઉતારી શકતો એ મરી જાય છે. સવાલ એ છે કે આટઆટલી રાજકીય પછડાટ ખાધા પછી પણ કોંગ્રેસ કેમ બદલાવ નથી કરતી. જવાબ એ છે કે જ્યાં સુધી શીર્ષસ્થ નેતાગીરીની માનસિકતા નહિ બદલે ત્યાં સુધી આ બદલાવ શક્ય નથી. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના એક સમયના સૌથી મોટા પક્ષમાં જ આંતરિક લોકશાહી નથી. હાર્દિક  પટેલના રાજીનામાના અંગત કારણો જે હોય તે, પણ હાર્દિક પટેલે જે કારણો જાહેર કર્યા છે તેમનું એક પણ ખોટું નથી. કેન્દ્રની કોંગેસ નેતાગીરીનો ગુજરાત વિરોધ અને નફરત જગજાહેર છે. વિરોધની રાજનીતિ બાદ કરતા પક્ષ પાસે દેશ માટેનો કોઈ રોડમેપ નથી. દેશને જયારે જરૂર હોય ત્યારે આલા દરજ્જાના નેતાઓ વિદેશમાં પીકનીક માનવતા હોય એવું ઘણીવાર બન્યું છે. હેમંત બિસ્વા સરમા જે કારણસર કોંગ્રેસ છોડી તેને મળતા આવતા કારણનો ઉલ્લેખ હાર્દિક પટેલે કર્યો છે, ટોચની નેતાગીરી દ્વારા નીચેના નેતાની અવગણના.

ક્વિક નોટ — અંગ્રેજ ઇતિહાસકાર થોમસ મેકોલેએ “ક્રીટીકલ એન્ડ હિસ્ટોરિકલ એસે” નામના મહાનિબંધમાં ભારતમાં બ્રિટીશ ગવર્નર રહી ચુકેલા ક્લાઈવની ભારતમાં સફળતા વિશે એક પ્રકરણ લખ્યું છે. તેમાં મેકોલેએ ફ્રેંચ ગવર્નર દુપ્લેનો ઉલ્લેખ કરેલ છે. મેકોલે લખે છે કે ભારતમાં સત્તા સ્થાપી શકાય છે એવું સ્વપ્ન જોનાર અને અમલમાં મુકનાર પ્રથમ વ્યક્તિ દુપ્લે હતો. ક્લાઈવ જે રણનીતિ અપનાવીને સફળ થયો એ રણનીતિનો જનક દુપ્લે હતો. દુપ્લેએ જોયું કે મુગલ સામ્રાજ્યના ખંડેર પર યુરોપિયન સામ્રાજ્ય ખડું થઇ શકે તેમ છે. દુપ્લે પાસે એક અલગ દ્રષ્ટિ હતી, જેના દ્વારા તેણે જોયું કે ભારતના રજવાડાઓના લશ્કરો યુરોપની જેમ તાલીમબદ્ધ નથી. ભારતના રાજવીઓ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવતી મોટી ફોજ પણ નાના તાલીમબદ્ધ લશ્કરો સામે ટકી શકે તેમ નથી. દુપ્લેએ જોયું કે દરેક રજવાડામાં નિઝામ કે નવાબના હોદ્દાના અકરામ મેળવવા માટે ઘણા નમકહરામ મળી શકે તેમ છે. દુપ્લે આ રણનીતિથી જાજો સફળ નહોતો થયો, જયારે તેણે આ રણનીતિ અમલમાં મૂકી ત્યારે અંગ્રેજો માત્ર વેપાર જ કરતા હતા. પણ જે સ્વપ્ન એક ફ્રેચ ગવર્નરે જોયું તેને અમલમાં મુકીને અંગ્રેજ ગવર્નરોએ ભારતમાં સત્તા સ્થાપી દીધી.

== પ્રવીણ માધાણી ==