ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન શનિવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે પાકિસ્તાન જશે. મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ સમય દરમિયાન તેઓ દેશના ટોચના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય સંબંધો વધારવા તેમજ તાજેતરના ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ પર ચર્ચા કરશે. ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબાર અનુસાર, પેઝેશ્કિયાન વડા પ્રધાન શાહબાઝ શરીફના આમંત્રણ પર પાકિસ્તાનની મુલાકાતે છે.
અહેવાલમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન દેશના ટોચના નાગરિક અને લશ્કરી નેતાઓ, જેમાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, વડા પ્રધાન શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો સમાવેશ થાય છે, સાથે મુલાકાત કરવાના છે. ઈરાની રાષ્ટ્રપતિ પહેલા લાહોર પહોંચશે, જ્યાંથી તેઓ બેઠકો માટે ઇસ્લામાબાદ આવશે.
ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેઝેશ્કિયાનના કાર્યસૂચિમાં ઉચ્ચ સ્તરીય બેઠકો અને સાંસ્કૃતિક અને વ્યાપારી નેતાઓ સાથે વાતચીતનો સમાવેશ થાય છે. આ ચર્ચાઓ રાજકીય, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે. ગયા મહિને ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાને તેહરાન સાથે સંપૂર્ણ એકતા વ્યક્ત કરી હતી અને તમામ મંચો પર તેને ટેકો આપવાનું વચન આપ્યું હતું.
ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો ઇતિહાસ તણાવપૂર્ણ રહ્યો છે. બંને એકબીજા પર સશસ્ત્ર જૂથો પર લગામ લગાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવી રહ્યા છે. ૨૦૨૪ ની શરૂઆતમાં બંને દેશો વચ્ચે ગંભીર તણાવ જાવા મળ્યો હતો, જ્યારે ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો અને બદલામાં પાકિસ્તાને પણ ઈરાન પર મિસાઈલ છોડ્યા હતા. જાકે, વાટાઘાટો દ્વારા મામલો ઉકેલાઈ ગયો હતો.