હાલમાં પડોશી દેશો શ્રીલંકા અને પાકિસ્તાનની આર્થિક બદહાલીની ચર્ચાઓ પ્રચાર પ્રસાર માધ્યમોમાં થોડીઘણી થઇ રહી છે. આ બે દેશોની ચર્ચા થાય છે કારણકે એ પડોશી મુલ્કો છે. આપણી તદ્દન નજીક છે અને તેમની સારી કે ખરાબ પરિસ્થિતિમાં આપણા દેશને થોડુંઘણું લાગેવળગે છે. એ ઉપરાંત આજે વિશ્વમાં ઘણા બધા એવા દેશો છે જેની હાલત દયનીય છે, કે આવનારા ટૂંકા ભવિષ્યમાં દયનીય થવાની છે. બંને દેશોની ખસ્તા હાલતની બહસ ફેસબુક, વ્હોટ્‌સએપ અને ટ્‌વીટર યુનિવર્સિટીના સ્નાતકો કરી રહ્યા છે. ટીવી પરની ડીબેટમાં જાડા કાચના ચશ્માવાળા, પોતાનું વામપંથી, બૌદ્ધિક, કે સેક્યુલર સ્ટેટસ સાબિત કરવા ચોળાયેલા ઝભ્ભા પહેરીને બેઠેલા લોકો પૂર્વગ્રહ સાથે ચર્ચાઓ કરે છે, છાપાના પત્રકારો લખે છે, આ એ અમુક લોકોનો વર્ગ છે જેને આપણા દેશમાં થતું કંઈપણ સારું નથી લાગતું. અર્થશાસ્ત્રને લગતી ચર્ચા જયારે એવો રાજકીય માણસ કરે કે જેને અર્થશાસ્ત્રનું જ્ઞાન કે ભાન નથી, ત્યારે એ બહુ ભૂંડો લાગે છે. અત્યારે હાલત શું છે ? મોટેભાગે તેની ચર્ચા થઇ રહી છે. આ હાલત કેમ થઇ એ ચર્ચા કરવા આર્થિક, તાર્કિક અભ્યાસ જોઈએ જે મોટાભાગના ફેસબુકીયા વિશ્લેષકો પાસે નથી, કારણકે તેમણે કોલેજ વખતે કે અન્ય કોઈ અભ્યાસ કરતી વખતે અર્થશાસ્ત્રના લેકચર વખતે કેન્ટીનમાં જઈને મિત્રો સાથે અલ્પાહારને ન્યાય આપ્યો છે. અને રાજકીય બૌદ્ધિકો જે હંમેશા રાજકારણની ચર્ચા કરે છે ત્યારે એ મોર જેમ કળા કરે અને પાછળથી નાગો લાગે તેવો લાગે છે. આ બધાનો સરકાર વિરુદ્ધનો, દેશની વિરુદ્ધનો ગ્રંથીસ્ત્રાવ એમની ચર્ચાઓમાં સતત ઝરતો રહે છે.
આ બધા લોકોને દેશની પરિસ્થિતિ અંગે કાગારોળ કરતા જોઈ સાંભળીને એક ટૂંકી વારતા યાદ આવે છે, જે આજના સમયમાં બંધબેસતી છે.
એક નાની આગબોટ થોડા મુસાફરો લઈને લાંબા પ્રવાસે નીકળી હતી. બીજા બધા મુસાફરો સાથે એક સજ્જન પોતાનો પાલતું વાંદરો લઈને ચઢ્યા હતા. વાંદરુ કોઈ દિવસ દરિયાઈ મુસાફરીએ નીકળેલું નહિ કે આગબોટમાં બેઠેલું નહિ. એણે આખી આગબોટમાં કૂદાકૂદ, અફરાતફરી મચાવી દીધી. બીજા મુસાફરોનો પ્રવાસ દુષ્કર કરી મેલ્યો. આગબોટ ચલાવનાર પણ મુશ્કેલીમાં મુકાઇ ગયો કે જો આ વાંદરું શાંત ન થયું તો ક્યાંક બોટ ઉંધી નાખશે. બોટ પર એક ફિલોસોફર પણ પ્રવાસ કરી રહ્યા હતા. એણે આ બધો તમાશો જોયો. વાંદરાની ઊછળકૂદ જોઈ. એ વાંદરાના માલિક પાસે ગયા અને કહ્યું કે જો તમને વાંધો ન હોય તો હું આ વાંદરાને શાંત કરી શકું છું. માલિક ત્રાસી ગયો હતો, એણે હા પાડી. પેલા ફિલોસોફરે વાંદરાને ઊંચકીને દરિયામાં ફેંકી દીધો. વાંદરો જીવ બચાવવા પાણીમાં હવાતિયા મારવા લાગ્યો. તરીને બોટ તરફ આવવા મરણીયો થયો. થોડીવાર જીવન મરણ વચ્ચે ઝઝૂમવા દીધા પછી ફિલોસોફરે તરવૈયાની મદદથી વાંદરાને બોટ પર આણ્યો. જેવો બોટ પર આવ્યો વાંદરો શાંત થઇ એક ખૂણામાં બેસી ગયો. એ વાંદરાને મધદરિયે બોટનું મહત્વ સમજાઈ ગયું હતું. બોટની બહાર શું પરિસ્થિતિ થાય છે એ સારી રીતે સમજી ચુક્યો હતો.
દેશ આગબોટ છે, અને જે કાગડાની જેમ કાગારોળ મચાવી રહ્યા છે, એ બધા વાંદરાની જગ્યાએ છે, જે બોટની સુવિધાનો ઉપયોગ કરીને બોટ પર ધમાચકડી મચાવી રહ્યા છે. જ્યાં સુધી બોટની બહાર નથી ફેંકાયા ત્યાં સુધી બોટમાં કુદાકુદ કરીને સહપ્રવાસીઓને ત્રાસ પહોચાડી રહ્યા છે. બોટની જરૂરિયાત અને મહત્વ એમને સમજાયું નથી. જો આ બધાને એક વખત શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સિરિયા જેવા કોઈ દેશમાં થોડા સમય માટે ફેંકી દેવામાં આવે તો દેશનું મહત્વ સમજાઈ જશે. પોતાના દીવાનખાનામાં સોફા પર આડા પડીને બરડો વલૂરતા વલૂરતા દેશની દરેક સિસ્ટમનો વાંક કાઢવો સહેલો છે.
શ્રીલંકાની જેમ વિશ્વના ઘણા દેશો આવી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, આવક વિના ઉભા થયેલા આંતરરાષ્ટ્રીય દેવાના હિમાલય જેવડા ભારણ નીચે ઘણા દેશો કચડાઈ રહ્યા છે. સબસિડીની સસ્તી રાજનીતિ કરતા શ્રીલંકાએ ચીન જેવા ક્રૂર શાહૂકાર પાસેથી મોટાભાગના ધિરાણ લીધા છે.
પેન્ડેમિક દરમિયાન ઘણા દેશો સુચારુ આર્થિક આયોજન કરવામાં નિષ્ફળ ગયા છે. આઈએમએફના મતે આ આર્થિક કટોકટી બંને વિશ્વયુદ્ધ દરમિયાન ઉભી થયેલ કટોકટી જેવડી છે. વિશ્વના ૬૦% નીચી આવક ધરાવતા દેશો આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેઓના મતે વૈશ્વિક ઋણ સકલ ઘરેલું
ઉત્પાદનના ૨૮% વધીને કુલ ૨૫૬% સુધી પહોચી ગયું છે, આ ૨૦૨૦ના આંકડાઓ છે. મતની રાજનીતિ કરતા બેજવાબદારીપૂર્વક લીધેલ અમર્યાદ ઋણના ચક્કરમાંથી નીકળવું સહેલું નથી. દેવું ચુકવવા બીજું દેવું કરવું પડે છે. આ બધું ત્યારે બને છે જયારે દેશ પાસે આવકના સ્ત્રોત માર્યાદિત હોય. દેશનું આર્થિક માળખું સક્ષમ રાખવા વાજબી કરપ્રણાલી આવશ્યક છે. ખર્ચ કરતા પહેલા આવકના સ્ત્રોત
આભાર – નિહારીકા રવિયા ઉભા કરવા જરૂરી છે. અલબત ભારતની સરખામણી આ બંને દેશો સાથે કરવી જરૂરી નથી. કેમ કે ભારત આ બંને દેશોથી કે વિશ્વના અન્ય કોઈ આવા દેશ કરતા બહેતર સ્થિતિમાં છે.
કોઈપણ દેશની આવી કટોકટીની પળોમાં તે દેશના નાગરિકોનો સમૂહ સંયમ ખુબ જરૂરી છે. દેશને સહયોગ કરવાના બદલે શ્રીલંકાની જેમ નાગરિકો રસ્તા પર ઉતરી આવે ત્યારે સ્થિતિ ઝડપભેર બગડતી ચાલે છે, અને સરકારોને પગલા લેવામાં મુશ્કેલી ઉભી થાય છે. આર્થિક સંકટ પછીથી તુરંત રાજકીય સંકટ ઉતરી આવતા વાર નથી લાગતી. રાજકીય અસ્થિરતા સમયે બાહ્ય મદદ મળવી મુશ્કેલ થઇ જાય છે, અને જો મળી પણ જાય તો તેની આંતરિક વ્યવસ્થા કરવી કપરી બની રહે છે.