તાજેતરમાં, એવું બહાર આવ્યું હતું કે બોલિવૂડના પીઢ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાકેશ રોશનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગરદનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેની પુષ્ટિ તેમની પુત્રી અને ઋતિક રોશનની બહેન સુનૈના રોશને પોતે કરી હતી. હવે રાકેશ રોશને પોતે હોસ્પિટલમાંથી એક તસવીર શેર કરી છે અને ચાહકોને તેના વિશે માહિતી આપી છે. આ સાથે, તેમણે એક સંદેશ પણ આપ્યો છે કે ૪૫ વર્ષની ઉંમર પછી નિયમિત આરોગ્ય તપાસ કરાવવી કેટલી મહત્વપૂર્ણ છે.
હોસ્પિટલ સ્ટાફ સાથે ફોટો શેર કરતા, રાકેશ રોશને કેપ્શનમાં લખ્યું – આ અઠવાડિયું ખરેખર આંખ ખોલનાર રહ્યું છે. આરોગ્ય તપાસ દરમિયાન, હૃદયની સોનોગ્રાફી કરનારા ડાક્ટરે મને ગરદનની સોનોગ્રાફી કરાવવાનું સૂચન કર્યું. આ પછી અમને ખબર પડી કે મગજમાં જતી મારી બંને કેરોટિડ ધમનીઓ ૭૫% થી વધુ બ્લોક હતી. જાકે આના કોઈ લક્ષણો નહોતા, જેને અવગણવાથી જાખમી બની શકે છે. મેં તાત્કાલિક મારી જાતને હોસ્પિટલમાં દાખલ કરી અને જરૂરી પ્રક્રિયા કરાવી.
આ ઉપરાંત, રાકેશ રોશને પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું કે તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમણે લખ્યું- ‘હું હવે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી ઘરે પાછો ફર્યો છું અને ટૂંક સમયમાં મારા વર્કઆઉટ્સ પર પાછા ફરવાની આશા રાખું છું. મને આશા છે કે આ અન્ય લોકોને તેમના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવા માટે પ્રેરણા આપશે. ખાસ કરીને જ્યાં હૃદય અને મગજની ચિંતા હોય. આ બંનેનું ધ્યાન રાખવું ખાસ કરીને ૪૫-૫૦ વર્ષથી વધુ ઉંમરના બધા લોકો માટે મહત્વપૂર્ણ છે.’
રાકેશ રોશનની આ પોસ્ટ પર ચાહકો તરફથી ઘણી ટિપ્પણીઓ આવી હતી. તેમના ચાહકોએ તેમનું સ્વાગત કર્યું. એક યુઝરે લખ્યું- ‘ગુડ્ડુ ભૈયાનું ઘરે સ્વાગત છે’. જ્યારે બીજા યુઝરે લખ્યું- ‘આ સમાચાર સાંભળીને ખૂબ આનંદ થયો ગુડ્ડુ ભૈયા. તમારા સારા સ્વાસ્થ્ય, સ્વસ્થતા અને ખુશી માટે પ્રાર્થના.’