ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સિનિયર બેટ્‌સમેન અજિંક્ય રહાણે ભલે હાલમાં રાષ્ટ્રીય પસંદગીકારોની યોજનાઓનો ભાગ ન હોય, પરંતુ ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો અને મેદાનમાં પાછા ફરવાનું સ્વપ્ન હજુ પણ જીવંત છે. ૩૭ વર્ષીય રહાણે ફરી એકવાર આગામી સ્થાનિક સિઝનમાં મુંબઈ માટે રણજી ટ્રોફી રમતી વખતે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં વાપસી કરવાની આશા રાખી રહ્યો છે. અજિંક્ય રહાણેએ ભારતીય ટેસ્ટ ટીમ માટે ૮૫ મેચોમાં ૧૨ સદી અને ૨૬ અડધી સદીની મદદથી કુલ ૫૦૭૭ રન બનાવ્યા છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ આવ્યો છે અને આ જ કારણ છે કે ૨૦૨૩ માં વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પછી તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તે સમયથી, અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ભવિષ્યના ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું, રહાણે અને ચેતેશ્વર પૂજારા જેવા અનુભવી ખેલાડીઓને બાજુ પર રાખ્યા. રહાણે ભલે હાલમાં ટીમ ઇન્ડિયાનો ભાગ ન હોય પરંતુ તે ઈંગ્લેન્ડમાં હાજર છે.

તાજેતરમાં, રહાણેએ ‘સ્કાય સ્પોર્ટ્‌સ ક્રિકેટ’ પર નાસિર હુસૈન સાથેની વાતચીતમાં ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો અને પાછા ફરવાની ઇચ્છા ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે અહીં રહીને સારું લાગે છે. તે હજુ પણ ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે. તેનામાં હજુ પણ એ જ જુસ્સો છે અને તે તેના ક્રિકેટનો સંપૂર્ણ આનંદ માણી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ અહીં થોડા દિવસ માટે છે, પરંતુ તેમણે પોતાની સાથે તાલીમના કપડાં પણ રાખ્યા છે જેથી તેઓ પોતાને ફિટ રાખી શકે. અમારી સ્થાનિક સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, તેથી તેની તૈયારીઓ પણ સાથે સાથે ચાલી રહી છે.

રહાણેનું નામ હંમેશા સ્થાનિક ક્રિકેટમાં એક મોટા ખેલાડી તરીકે લેવામાં આવે છે. તેમણે રણજી ટ્રોફીમાં ઘણી વખત મુંબઈનું નેતૃત્વ કર્યું છે અને ટીમ માટે મહત્વપૂર્ણ મેચો જીતી છે. આ વખતે પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ મુંબઈ રણજી ટીમની કમાન સંભાળશે અને પોતાના અનુભવથી ટીમને મજબૂત બનાવશે. ૨૦૨૪-૨૫ સ્થાનિક સિઝન રહાણે માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. જો તે સતત સારી ઇનિંગ્સ રમશે, તો તેમની પાસે ફરીથી ટેસ્ટ ટીમમાં પાછા ફરવાનો માર્ગ હોઈ શકે છે.