રખડતા કૂતરાઓ સંબંધિત કેસ બુધવારે તાત્કાલિક સુનાવણી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ અરજી ૨૦૨૪ માં કોન્ફરન્સ ફોર હ્યુમન રાઇટ્‌સ (ઇન્ડિયા) નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી. આમાં, દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેણે પશુ જન્મ નિયંત્રણ (કૂતરા) નિયમો અનુસાર દિલ્હીમાં રખડતા કૂતરાઓના નસબંધી અને રસીકરણ માટે નિર્દેશો માંગતી તેમની પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. આજે જ્યારે આ અરજી આગળ લાવવામાં આવી, ત્યારે કોર્ટે કહ્યું કે તે તેના પર વિચાર કરશે.

વકીલે આ બાબતનો ઉલ્લેખ કર્યો ત્યારે, મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ કહ્યું કે બીજી બેન્ચે રખડતા કૂતરાઓ અંગે આદેશ પસાર કરી દીધો છે. તેઓ ૧૧ ઓગસ્ટના રોજ જસ્ટીસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચના દિલ્હીના આશ્રયસ્થાનોમાં રખડતા કૂતરાઓને ખસેડવાના આદેશનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

વકીલે ત્યારબાદ મે ૨૦૨૪માં જસ્ટીસ જેકે મહેશ્વરીની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા પસાર કરાયેલા આદેશનો ઉલ્લેખ કર્યો, જેના હેઠળ રખડતા કૂતરાઓના મુદ્દાને લગતી અરજીઓ સંબંધિત હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. વકીલે ન્યાયાધીશ મહેશ્વરીની બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશનો ઉલ્લેખ કર્યો, જેમાં કોર્ટે કહ્યું હતું કે અમે ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે કોઈપણ સંજાગોમાં કૂતરાઓને આડેધડ રીતે મારી શકાય નહીં. અધિકારીઓએ હાલના કાયદા અને ભાવના અનુસાર કાર્ય કરવું પડશે. તેમાં કોઈ શંકા નથી કે તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણા દર્શાવવી એ એક બંધારણીય મૂલ્ય અને જાહેર ભાવના છે. તેને જાળવી રાખવાની જવાબદારી અધિકારીઓની છે. પછી મુખ્ય ન્યાયાધીશ ગવઈએ જવાબ આપ્યો, ‘હું તેની તપાસ કરીશ.’