ગોંડલ તાલુકાના બિલીયાળા ગામે વીજકરંટ લાગતાં પિતા-પુત્રના કરૂણ મોતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેતરના કૂવામાં પાણી ભરવા માટે મોટર ચાલુ કરવા જતાં આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે, જેથી સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે, ખાસ કરીને રક્ષાબંધનના તહેવાર પહેલાં બે બહેનોના એકમાત્ર ભાઈનું મોત થતાં પરિવારમાં હૈયાફાટ રૂદન ફાટી નીકળ્યું છે. ત્યારે અન્ય ખેડૂતો માટે પણ આ કિસ્સો એક ચેતવણીરૂપ બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બિલીયાળા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ભીખાભાઈ ભોવનભાઈ હિરપરા (ઉંમર ૫૫ વર્ષ) અને તેમના પુત્ર ક્રિસ હિરપરા (ઉંમર ૧૯ વર્ષ) ખેતરમાં કૂવાની મોટર ચાલુ કરવા ગયા હતા. આ દરમિયાન ઓરડીમાં જારદાર વીજકરંટ લાગતાં બંને ફંગોળાઈ ગયા અને ઘટનાસ્થળે જ તેઓ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં આજુબાજુના સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ બંનેને બચાવી શકાયા ન હતા.
થોડા સમય બાદ સમગ્ર પંથકમાં વાયુ વેગે આ સમાચાર ફેલાયા, જેની જાણ પોલીસને થતા જ, ગોંડલ તાલુકા પોલીસ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વીજકરંટનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.પીજીવીસીએલની ટીમ વીજળીની લાઈન અને મોટરની તપાસ કરી રહી છે, જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને.
નોંધનીય છે કે, મૃતક ક્રિસ રાજકોટની આત્મીય કોલેજમાં મ્મ્છના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તે બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો. જેથી આગામી રક્ષાબંધનના તહેવારની પહેલા જ આ ગંભીર ઘટના બની હોવાથી ક્રિસની બે બહેનો ગમગીન બની ગઈ છે. બંને બહેનોએ આગામી રક્ષાબંધન તહેવાર માટે રાખડીઓ લઈને રાખી હતી. પરંતુ હવે આ રાખડીઓ કોને બાંધે તે વિચારોથી આખા પરિવારમાં હૈયાફાટ રૂદન ફાટી નીકળ્યું છે, અને આસપાસના ગ્રામજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે.
આ અગાઉ બનાસકાંઠાના વાવ તાલુકામાંથી ખેતરમાં બોરવેલ ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતાં માતા-પિતા અને પુત્રને એકસાથે કાળ ભરખી ગયો હતો અને હાલની ઘટનામાં પણ ખેતરમાં મોટર ચાલુ કરતા સમયે જ કરુણ બનાવ બન્યો છે. જેથી કહી શકાય કે, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આવા કરુણ બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર આ ઘટના ખેડૂતો માટે એક ચેતવણી રૂપ બની છે અને ખેડૂતોની સલામતી પર અનેક સવાલો ઉભા થયા છે. માટે ખેતરોમાં વીજળીના સાધનોનો ઉપયોગ કરતી વખતે કયા કયા સલામતીના પગલાંનું ધ્યાન રાખવું તે અંગે જાગૃતતા ફેલાવવી જરૂરી છે. જેથી આવા બનાવો બનતા અટકે.







































