ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રક્ષાબંધન અને જન્માષ્ટમી પર્વ દરમિયાન મુસાફરોની વધતી માગને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કર્યું છે. આ વર્ષે નિગમ તરફથી ૬,૫૦૦ વધારાની બસ ટ્રિપો યોજાશે, જે તહેવારો દરમિયાન મુસાફરોને સમસ્યા ન થાય અને મુસાફરીને વધુ સરળ બનાવવા માટે બનાવાયેલો નિર્ણય છે. ગયા વર્ષ રક્ષાબંધન અને જન્માષ્ટમીના સમયે જીએસઆરટીસી દ્વારા ૬,૦૦૦ એક્સ્ટ્રા બસ ટ્રિપો ચલાવવામાં આવી હતી, જેમાં અંદાજે ૩.૧૫ લાખથી વધુ મુસાફરોને લાભ મળ્યો હતો. આ વર્ષે તે સંખ્યા વધારીને ૬,૫૦૦ કરવામાં આવી છે, જેથી વધુ લોકો ઓછા સમયમાં અને આરામદાયક રીતે પહોંચી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રક્ષાબંધનના પર્વ પર રાજ્યના ગ્રામ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના વિસ્તારો ઉપરાંત અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ બસોની વધારાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જન્માષ્ટમી નિમિત્તે યાત્રાધામો જેવા કે ડાકોર, દ્વારકા, શામળાજી અને અન્ય ધાર્મિક સ્થળો સુધી વિશેષ બસ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવાઓ યાત્રાળુઓ માટે વધુ સુવિધાજનક અને સલામત યાત્રાનો અનુભવ આપશે.જીએસઆરટીસીએ મુસાફરોને તેમની મુસાફરી સરળ, સુવિધાજનક બનાવવા માટે તહેવારો દરમિયાન ખાસ ધ્યાન રાખીને વ્યવસ્થાઓ કરવામાં આવી છે.