ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા રાઉન્ડ ૨’ કાર્યક્રમના ભાગરૂપે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય કોલોની, સુભાષનગર ખાતે ચાલી રહેલ મેદસ્વિતા યોગ કેમ્પમાં પતંજલિના રાજ્ય પ્રભારી વિનોદભાઈ શર્માને એક્સપર્ટ ટોક માટે મનપા યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. છાયાબેન પટેલે જણાવ્યું હતું કે વિનોદભાઈ શર્મા દ્વારા મેદસ્વી યોગ સાધકોને યોગ સાથે સંલગ્ન માહિતી, સૂચનો અને ખૂબ જ અસરકારક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ માર્ગદર્શનથી પ્રેરિત થઈને યોગ સાધકોએ મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા માટે ઉત્સાહ સાથે સંકલ્પ કર્યો હતો. આ ઉપરાંત, ચિત્રા ખાતે મેદસ્વિતા શિબિરમાં વાલજીભાઈ ડાભી દ્વારા યોગ સાધકોને શ્વસન પદ્ધતિનું વિશેષ શિક્ષણ આપવામાં આવ્યું હતું. મનપા યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મોટાપામાંથી મુક્તિ મેળવવા માટે વધુમાં વધુ લોકો જાગૃત થાય અને શરીરના અનેક રોગોમાંથી છૂટકારો મેળવવા માટે કટિબદ્ધ બને. શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓ છાયાબેન પટેલનો ૮૪૮૭૯૯૭૯૬૯ નંબર પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી શકે છે.








































