નરેન્દ્ર મોદીને ભલે બીજી ઘણી બધી રીતે બદનામ કરવામાં આવે. કોંગ્રેસના સમયની સરખામણીમાં જ્યારે એક વ્યવહાર બની ગયો હોય તેમ ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત બની ગયો છે અને ભ્રષ્ટાચાર સામેની કોઈ બૂમ પણ ભાજપીયન બ્રિગેડ ઉઠવા દેતી નથી. એવી ઘણી બધી બાબતો ભાજપ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગેન્સ્ટમાં જાય છે. પરંતુ તેમ છતાં નરેન્દ્ર મોદી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી અને મોદીના રસ્તે કે ભાજપના સિદ્ધાંત પર જ્યાં સુધી આ પક્ષના લોકો ચાલતા રહેશે ત્યાં સુધી ભારતમાં ભાજપને ઉની આંચ પણ નહીં આવે તેના કેટલાક કારણો છે. સૌથી મહત્વનું કારણ એ છે કે મોદીવાદી અથવા તો આરએસએસ વિચારધારા વાળી સરકારે છેલ્લા વર્ષોમાં ભારતીય સંસ્કૃતિના પુનઃસ્થાપનની જે નીતિ અપનાવી છે તે છે. તેમાં સૌથી મહત્વનું છે યોગનું મહત્વ. મોદીએ દરેક કર્મચારીને યોગ કરતા કરી દીધા છે એટલું જ નહીં ભારતીય લોકો જેને ભૂલી ગયા હતા તે યોગ હવે ઘર ઘર સુધી પહોંચતો થયો છે તેના કારણમાં આરએસએસ અને ભાજપ છે. માત્ર ઘર ઘર જ નહીં વિશ્વના દરેક દેશમાં ભારતીય જનતા પાર્ટીએ યોગને પહોંચાડ્‌યો છે. હવે વિશ્વમાં વિશ્વ યોગ દિવસ પણ ઉજવાતો થયો છે તેના કારણમાં પણ ભારતીય જનતા પાર્ટી છે એ બાબત બિનરાજકીય રીતે કબૂલવી પડે.
આજે બાળકથી લઈ અને વૃદ્ધો સુધીના સર્વ કોઈને માટે શારીરિક અને માનસિક સ્વસ્થતા અંગે યોગની અતિ અનિવાર્યતાની સ્વીકૃતિ પણ બની રહી છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં ભારતની સંસ્કૃતિએ માત્ર આધ્યાત્મિક વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કર્યું પરંતુ, જન સામાન્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને માટે પણ ધ્યાન આપીને વિશ્વના પૂરા જનસમાજને યોગશાસ્ત્ર આપ્યું છે. આજથી હજારો વર્ષ પહેલાં મહર્ષિ પતંજલિજીનું યોગશાસ્ત્ર તે માત્ર પરમેશ્વરના સાક્ષાત્કાર માટે જ સાધનાનું એક સાધન નથી પરંતુ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પણ તે અનિવાર્ય એક ઉપકરણ બની રહ્યું છે, તે વાતની પ્રતીતિ વિશ્વ જનસમાજને થઈ રહી છે. પૃથ્વીના ગોળા ઉપર વિભિન્ન સંસ્કૃતિ, વિભિન્ન પરંપરા, વિભિન્ન ભાષા, વિભિન્ન વેષ, અનેક ધર્મ અને સંપ્રદાયની અંદર આસ્થા ધરાવતા વિશ્વ જનસમાજને એક સૂત્રથી બાંધવાનું જો કોઈએ કામ કર્યું હોય તો તે ભારતીય યોગ છે અને તેથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ આ સંદર્ભમાં યોગની અનિવાર્યતા સ્વીકારીને ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાનું સ્વીકાર્યું છે. ભારતીય સંસ્કૃતિની આ વિશ્વ ફલક ઉપર યોગ સાધનાની સ્વીકૃતિ એ જ વિશ્વ જનસમાજ ઉપર બહુ જ અસરકારક રીતે પ્રતિબિંબિત થતી ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે.
naranbaraiya277@gmail.com