લગ્નની લાલચ આપી રોકડ તેમ જ ઘરેણા લઈ યુવતી ફરાર થઈ જવાનાં અનેક કિસ્સા અગાઉ આપણી સમક્ષ આવી ચૂક્યા છે. ત્યારે, જુનાગઢ જિલ્લામાંથી વધુ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. એક યુવાન લુટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. ઉત્તર પ્રદેશની રોશની નામની યુવતીએ અમિત પંડ્યા નામનાં યુવકને લગ્ન કરવાનાં જાળમાં ફસાવી લાખો રૂપિયાનાં ઘરેણા તેમ જ રોકડ લઈ ફરાર થઈ હતી. આ મામલે, પોલીસે કાર્યવાહી કરી લુટેરી દુલ્હનને ઝડપી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અમરાપુર ખાતે રહેતા અને હોટેલનાં ધંધાર્થી અમિત પંડ્યા ઉત્તર પ્રદેશના ઝાંસીની રોશની જવાહર નામની યુવતીનાં સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન, રોશનીએ લગ્ન કરવાની લાલચ આપી અમિત પંડ્યાને પોતાનાં જાળમાં ફસાવ્યા હતા. ગત મે માસમાં અમિભાઈને વિશ્વાસમાં લઈ તેના ઘરે રહેવા આવી હતી ત્યારે ૧૦ લાખનાં સોનાનાં ઘરેણા બનાવી આપ્યા હતા અને રોકડ રકમ ઘરમાં રાખી હતી.
ભોગ બનનાર યુવક જુનાગઢ કામ સબબ જતા પાછળથી ઘરેણા અને રોકડ લઈને રોશની ઝાંસી જતી રહી હતી. અમિતભાઈએ તેનો સંપર્ક કરતા રોશનીએ તેમને ત્યાં બોલાવ્યા હતા. આથી, અમિતભાઈ ત્યાં જતા અને લગ્ન માટે કહેતા ઉત્તરાખંડ અને ત્રિયુગીનારાયણ મંદિરે લઈ જઈ હારતોરા કરી લગ્ન કર્યા હતા અને ત્યાંથી ફરવા પણ ગયા હતા. જો કે, રોશનીએ અમિતભાઈને પોતાના પરિવાર સાથે મળાવ્યા નહોતા.
દરમિયાન, અમિતભાઈને શંકા ગઈ હતી કે યુવતી કોઈ બીજા પ્લાનમાં છે અને લગ્ન નહીં કરે તેવું જણાતા અમિતભાઈ દ્વારા વારંવાર ઘરેણા અને રોકડ પરત કરવા માંગ કરી હતી. પરંતુ, રોશની તેમની સાથે મારપીટ કરતી અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખી દેવાની ધમકી પણ આપી હતી. અમિતભાઈએ મે મહિનામાં આ મામલે અરજી કરી હતી જે પછી ફરિયાદ પણ નોધાવી હતી. આ અંગે ડીવાયએસપી કોડિયાતર એ જણાવ્યું હતું કે, પોલીસે લુંટેરી દુલ્હન અંગે તપાસ કરી હતી અને યુવતીની ધરપકડ કરી છે. હાલ, આ અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. અમિતભાઈના આરોપ અનુસાર, આ યુવતીએ અગાઉ પણ ૫ યુવકોને પોતાનો શિકાર બનાવી લૂંટ કરી હતી.