ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશોએ સીઝફાયર કરતા ગુજરાતવાસીઓએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. પ્રજાનું કહેવું છે કે અમે સૌ સરકારના નિર્ણયથી સહેમત છે. જો પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિ કરશે તો ભારત યોગ્ય જવાબ આપશે. અમે સૌ સરકારના નિર્ણય સાથે સહેમત છીએ.
અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે પોસ્ટ કરી હતી. ટ્રમ્પે સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. સામાન્ય સમજ અને કુશળ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ બંને દેશોનો આભાર. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વારંવાર ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ બની રહી છે, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વીક સ્તરે ચિંતા વધી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના સમાચાર સૌપ્રથમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું કે રાતભર લાંબી વાતચીત બાદ બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા છે. યુદ્ધવિરામ પાછળની વાર્તા સમજાવતા, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ‘છેલ્લા ૪૮ કલાકમાં, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ, વિદેશપ્રધાન એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી છે.’ બંને દેશોના નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા બાદ આ સર્વસંમતિ બની હતી. શાંતિનો માર્ગ પસંદ કરવામાં વડા પ્રધાન મોદી અને શરીફની સમજદારી અને રાજકીય પરિપક્વતાની અમે પ્રશંસા કરીએ છીએ.