ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકન અર્થતંત્ર પર મોટું આર્થિક ભારણ આવી રહ્યું છે. એક તાજેતરના સંશોધન મુજબ, અમેરિકા આ યુદ્ધમાં દર સેકન્ડે ૧૦,૩૦૦ ડાલર(આશરે ૯.૮ લાખ રૂપિયા) ખર્ચ કરી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટટ્યૂટના ડેટા અનુસાર, ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધના ૩૧મા દિવસે અમેરિકન કરદાતાઓને અત્યાર સુધીમાં ૨૭.૬૮ અબજ ડાલર(આશરે ૨.૬૩ લાખ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા દરરોજ સરેરાશ ૮૯૦ મિલિયન ડાલર(આશરે ૮,૪૫૫ કરોડ રૂપિયા) આ જંગ પાછળ ખર્ચી રહ્યું છે.
આ જંગી ખર્ચના આંકડાઓ પર નજર કરીએ તો, સૌથી મોટો હિસ્સો દારૂગોળો અને મિસાઇલો પાછળ વપરાય છે, જે દરરોજ ૩૨૦ મિલિયન ડાલર(આશરે ૩,૦૪૦ કરોડ રૂપિયા) એટલે કે કુલ ખર્ચના ૩૬% જેટલો છે. આ ઉપરાંત, ફાઇટર જેટ્‌સ અને બોમ્બર વિમાનોના ઓપરેશન પાછળ રોજનો ૨૪૫ મિલિયન ડાલર અને નેવીના જહાજા તેમજ સબમરીન પાછળ ૧૫૫ મિલિયન ડાલરનો ખર્ચ થઈ રહ્યો છે. મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, ઇન્ટેલિજન્સ અને સાયબર ઓપરેશન પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું, જેના કારણે આ આર્થિક આંકડો સતત વધી રહ્યો છે.
યુદ્ધના આ આર્થિક બોજને હળવો કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આરબ દેશો પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા હોય તેવું જણાય છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સંકેત આપ્યો છે કે પ્રમુખ ટ્રમ્પ આરબ રાષ્ટીયને આ યુદ્ધનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરવા માટે કહી શકે છે, જેવું ૧૯૯૦ના ગલ્ફ વોર દરમિયાન થયું હતું. જાકે, આ વખતે સ્થિતિ અલગ છે કારણ કે અમેરિકા અને ઈઝરાયલ કોઈ પણ પ્રાદેશિક ભાગીદારોને સામેલ કર્યા વિના એકપક્ષીય રીતે આ કાર્યવાહી કરી રહ્યા છે. બીજી તરફ, ઈરાને કોઈપણ મંત્રણા માટે શરત મૂકી છે કે અમેરિકાએ યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવું પડશે અને વળતા પ્રહાર તરીકે મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પણ તેજ કર્યા છે.