વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુક્રેન યુદ્ધમાં અમેરિકન સૈનિકોને સીધા મેદાનમાં મોકલવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે અમેરિકા સુરક્ષા ગેરંટી આપવા માટે અન્ય રીતો પર વિચાર કરી રહ્યું છે, જેમાં હવાઈ સહાયનો પણ સમાવેશ થઈ શકે છે.
કેરોલિન લેવિટે પ્રેસ બ્રીફિંગમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકન સૈનિકો યુક્રેનની ધરતી પર પગ મૂકશે નહીં. પરંતુ અમેરિકા યુરોપિયન સાથીઓ સાથે મળીને અન્ય સુરક્ષા વિકલ્પો પૂરા પાડવાનું વિચારશે. સ્થાયી શાંતિ માટે સુરક્ષા ગેરંટી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને રાષ્ટ્રપતિએ તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમને આ દિશામાં કામ કરવા સૂચના આપી છે.’
તે જ સમયે, જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું ‘હવાઈ સહાય’ પણ સુરક્ષા ગેરંટીનો ભાગ હોઈ શકે છે, ત્યારે કેરોલિન લેવિટે કહ્યું, ‘આ વિકલ્પ પણ ખુલ્લો છે. હું કંઈપણ નકારીશ નહીં. રાષ્ટ્રપતિ પાસે બધા લશ્કરી વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ એક વાત ચોક્કસ છે – અમેરિકન સૈનિકો જમીની સ્તરે યુક્રેન જશે નહીં.’
આ દરમિયાન, જ્યારે પત્રકારોએ અમેરિકન કરદાતાઓના પૈસા અંગે ચિંતા વ્યક્ત કરી, ત્યારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે ટ્રમ્પ એક નવું ફોર્મ્યુલા લઈને આવ્યા છે. ‘રાષ્ટ્રપતિ અમેરિકન કરદાતાઓનો બોજ વધારવા માંગતા નથી. તેથી, તેમણે ઉકેલ આપ્યો કે નાટો અમેરિકન શસ્ત્રો ખરીદે અને યુક્રેનને ઉપલબ્ધ કરાવે. અમેરિકન શસ્ત્રો વિશ્વમાં શ્રેષ્ઠ છે. યુક્રેનની જરૂરિયાતો આનાથી પૂર્ણ થશે.’
કેરોલિન લેવિટે કહ્યું કે ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે સીધી વાતચીત શરૂ કરવા તરફ એક મોટું પગલું ભર્યું છે. ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર ડઝનેક વખત વાત કરી હતી. તેમના પ્રયાસોને કારણે, બંને દેશો વચ્ચે વર્ષો પછી વાતચીત શરૂ થઈ છે.’ ટ્રમ્પ માને છે કે કોઈપણ શાંતિ કરાર ત્યારે જ સફળ થશે જ્યારે બંને દેશોએ થોડું બલિદાન આપવું પડશે. ‘રાષ્ટ્રપતિ હંમેશા કહે છે કે સારા સોદામાં બંને પક્ષો થોડા અસંતુષ્ટ રહે છે. આ કાયમી ઉકેલનો માર્ગ છે.’
આ પ્રસંગે, કેરોલિન લેવિટે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પર દબાણ લાવવા માટે ભારત પર પણ ટેરિફ વધાર્યો છે. તેણીએ કહ્યું, ‘રાષ્ટ્રપતિએ ભારત પર વધારાની ૨૫% ડ્યુટી લાદી છે, જેનાથી કુલ ટેરિફ ૫૦% થઈ ગયો છે. તેનો હેતુ રશિયા પર ગૌણ દબાણ લાવવાનો છે, જેથી તેને યુદ્ધ બંધ કરવાની ફરજ પડે.’
આ દરમિયાન, કેરોલિન લેવિટે પુનરોચ્ચાર કર્યો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે જા તેઓ પહેલા સત્તામાં હોત, તો રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ ન થયું હોત. તેણીએ દાવો કર્યો કે પુતિને પોતે પણ આ સ્વીકાર્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુરોપિયન નેતાઓ અને નાટો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે જેથી યુદ્ધનો અંત આવે અને કાયમી શાંતિ સુનિશ્ચિત થઈ શકે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની જેમ, કેરોલિન લેવિટે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટ્રમ્પે પહેલા ઘણી જગ્યાએ શાંતિ સ્થાપિત કરી છે. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ કરાર કર્યો હતો, જે પરમાણુ યુદ્ધને રોકવામાં મદદરૂપ સાબિત થયો હતો.