રાજ્યભરમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા મ્યુલ એકાઉન્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તરફ આણંદથી પણ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ સાયબર ક્રાઈમ પોલીસે તાજેતરમાં એક મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. મ્યુલ એકાઉન્ટની તપાસ દરમિયાન પોલીસને આશરે ૩.૩૮ કરોડ રૂપિયાનું ફ્રોડ સામે આવ્યું છે.પોલીસ દ્વારા સરકારના પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે શંકાસ્પદ બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તરફ તપાસમાં ખુલ્યું કે, આ સમગ્ર કૌભાંડમાં કુલ પાંચ લોકો સંડોયેલા હતા. આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં અલગ-અલગ બેંક એકાઉન્ટમાં મંગાવતા અને બાદમાં તે રકમ દુબઇ મોકલતા હતા. તપાસમાં ખુલાસો થયો કે, આરોપીઓએ હવાલા મારફતે ૩.૩૮ કરોડ રૂપિયાક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી દુબઇ મોકલ્યા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે તેમણે કુલ ૧૭ અલગ-અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.વિગતો મુજબ આ કેસમાં પોલીસએ અત્યાર સુધીમાં ઋષિ અતુલ શાહ, ભારદ્વાજ યોગેશ ભીંડી અને હીરલ મિતુલની ધરપકડ કરી છે. જ્યારે ગૌરવ ઠાકુર શાહ અને કૃતાર્થ દિવ્યાંગ શાહની ધરપકડ માટે તપાસ તેજ કરી છે. નોંધનીય છે કે, તમામ પાંચ આરોપી આણંદ જિલ્લાના ઉમરેઠના રહેવાસી છે. આ કાર્યવાહી બાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ પ્રકારના ફ્રોડના અન્ય જાડાણો પણ બહાર લાવી શકાય.