ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં, ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે ૩૭૪ રનનો લક્ષ્યાંક આપ્યો છે. જવાબમાં, ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં, ઈંગ્લેન્ડે એક વિકેટ ગુમાવીને ૫૦ રન બનાવી લીધા છે. ઓવલ ટેસ્ટ મેચનો ત્રીજા દિવસ મોહમ્મદ સિરાજે જેક ક્રાઉલીને બોલ આઉટ કરીને સમાપ્ત કર્યો. તેણે ઇંગ્લિશ બેટ્‌સમેનને બોલ આઉટ કરવા માટે એક ખાસ સેટઅપ તૈયાર કર્યો હતો. આ જ યોજના હેઠળ, સિરાજે ક્રાઉલીને ફસાવ્યો.

ભારત તરફથી ઓવલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની છેલ્લી ઓવર મોહમ્મદ સિરાજ ફેંકી રહ્યો હતો. ક્રાઉલીએ તે ઓવરના પહેલા ચાર બોલ ખૂબ જ સારી રીતે રમ્યા. આ પછી, સિરાજે પાંચમા બોલ પહેલા ફિલ્ડીંગ બદલી નાખી. તેણે ડીપ સ્ક્વેર લેગ બાઉન્ડ્રી પાસે એક ફિલ્ડર રાખ્યો. આ ફિલ્ડ સેટઅપ જાયા પછી, બધાને લાગ્યું કે સિરાજ અહીં ક્રાઉલીને બાઉન્સર ફેંકવાનો છે, પરંતુ તેણે બીજા જ બોલ પર યોર્કર ફેક્યો અને બેટ્‌સમેનને બોલ આઉટ કર્યો.

સિરાજની આ ચતુરાઈએ માત્ર ઇંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો જ નહીં, પરંતુ આ વિકેટ સાથે, તેણે ચોથા દિવસની રમત પહેલા ભારતીય ટીમનો ઉત્સાહ પણ વધાર્યો છે. ક્રાઉલીની વિકેટ લીધા પછી દરેક વ્યક્તિ સિરાજની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ચેતેશ્વર પૂજારાએ પણ સિરાજની ચતુરાઈભરી બોલિંગની પ્રશંસા કરી.

૩૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા, જેક ક્રોલી અને બેન ડકેટે ઇંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૫૦ રનની ભાગીદારી થઈ. ક્રોલી ૩૬ બોલમાં ૧૪ રન બનાવીને આઉટ થયો. તે જ સમયે, બેન ડકેટ ૪૮ બોલમાં ૩૪ રન બનાવીને અણનમ છે. હવે ટેસ્ટ મેચના ચોથા દિવસે, ભારતીય બોલરો ઇંગ્લેન્ડની ટીમને શક્ય તેટલી વહેલી તકે ઓલઆઉટ કરીને મોટી જીત નોંધાવવા માંગશે. ઇંગ્લેન્ડને અહીંથી જીતવા માટે ૩૨૪ રનની જરૂર છે.