ટ્રેનમાં ફરતો ઠગ શહેરોથી શહેરો સુધી પોલીસથી બચવા મુસાફરી કરી લોકો સાથે લાખોની ઠગાઈ કરી મોરબીમાં વેપારીને રૂ. ૧૦ અને ૨૦ ના બંડલો આપવાની લાલચ આપી રૂ. ૨.૫૦ લાખનું આંગડિયું કરાવી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદને આધારે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા ચેતનભાઈ રતિલાલ દેત્રોજાને આરોપીએ ફોનથી સંપર્ક કરી રૂ. ૧૦ અને ૨૦ ના નોટના બંડલ આપવાની લાલચ આપી ફરિયાદીને અમદાવાદ ખાતે પૈસાના બંડલ માટે આંગડિયા કરવાનું કહેતા ફરિયાદીએ રૂ. ૨.૫૦ લાખનું આંગડિયું કર્યું હતું અને બંડલો નહીં આપી ઠગાઈ કરી હતી. સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આરોપી પંકજ કેશવજી ફેફર રહે. નવાગામ તા. મોરબી વાળાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
ઝડપાયેલ આરોપી છ માસ દરમિયાન મોરબી શહેર અને જિલ્લામાં અન્ય વિસ્તારમાં પંદરેક જેટલા લોકોને છૂટા રૂપિયા ૧૦ અને ૨૦ ની નોટના બંડલો આપવાની લાલચ આપી ખોટા નામથી આંગડિયું કરાવી રૂપિયાના બંડલો નહીં આપી ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કરતો હોવાનું ખુલ્યું છે. છ માસ દરમિયાન કોઈ હોટેલનો ખર્ચ કરવો ન પડે અને પકડાય નહીં માટે આરોપી અમદાવાદ, સુરત, જયપુર અને ગોવા જેવા શહેરમાં સતત ટ્રેન મારફત મુસાફરી કરી મોટાભાગનો સમય મુસાફરીમાં વિતાવતો હતો અને ઠગાઈના નાણાં આંગડિયું કરાવી લેતો હતો. આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ચીટિંગની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.