દારૂ પીવાની ટેવવાળી તેમજ ઘરમાં ઝઘડો કરવાની ટેવવાળી ૩૫ વર્ષીય લક્ષ્મી સોલંકી નામની મહિલાની હત્યા બોથડ પદાર્થના ઘા ઝીંકી ગત ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના જ કૌટુંબીજનો તેમજ પાડોશી દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ મૃતકની ૭૫ વર્ષીય માતા કાંતા સોલંકી દ્વારા ૨૦ વર્ષીય હિના રાઠોડ, ૧૯ વર્ષીય મનોજ ઉર્ફે મયુર રાઠોડ, ૨૩ વર્ષીય નર્મદા રાઠોડ તેમજ ૨૧ વર્ષીય હુસેન જુણેજા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૧૦૩ (૧), ૨૩૮, ૫૪ તેમજ એટ્રોસિટી સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જે ગુનો નોંધાતાની સાથે મોરબી તાલુકા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
૭૫ વર્ષીય કાન્તા સોલંકી દ્વારા મોરબી તાલુકા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની દીકરી છેલ્લા બે વર્ષથી તેમની સાથે રહે છે. અગાઉ તેના લગ્ન કરવામાં આવ્યા હતા પરંતુ પતિ સાથે મનમેળ ન થતા દીકરીએ છૂટાછેડા લીધા હતા. તેમજ ત્યારથી તે તેમની સાથે રહેતી હતી. તેમજ દીકરી લક્ષ્મી દારૂ પીવાની ટેવ પણ ધરાવતી હતી. તેમજ દારૂ પી અવારનવાર ઘરમાં અન્ય સભ્યો સાથે માથાકૂટ પણ કરતી હતી. જે ત્રાસથી કંટાળી જઈ લક્ષ્મીની ભત્રીજી હિના રાઠોડ દ્વારા લક્ષ્મીને માથાના ભાગે તેમજ શરીરના ભાગે લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. તેમજ લક્ષ્મી પ્રતિકાર કરતાં મયુર રાઠોડ દ્વારા દોરડું હિનાને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હિના તેમજ હુસેન દ્વારા લક્ષ્મીને ખાટલામાં સુવડાવીને તેને દોરડાથી બાંધી દીધી હતી. તેમજ બનાવમાં ઉપયોગમાં લેવામાં આવેલ દોરડું નર્મદા દ્વારા સળગાવી નાખી પુરાવાઓનો નાશ કરી એકબીજાની મદદગારી કરી લક્ષ્મીનું મોત નીપજાવ્યું હતું.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. કે. ચરેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, લક્ષ્મીના મોત સંદર્ભે તેના પરિવારજનો દ્વારા પોલીસને પડી જવાના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું. જાકે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ બનાવ શંકાસ્પદ જણાતા પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત મરણ પામનારને માથાના ભાગે ઇજા પહોંચવાના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પરિવારના વ્યક્તિઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા સમગ્ર બનાવ કઈ રીતે બન્યો હતો તે બાબતે હકીકત જણાવવામાં આવી હતી. સમગ્ર મામલે ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ બનાવ સંદર્ભે મોરબી એસસી/એસટી સેલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બનાવના દિવસે લક્ષ્મીએ દારૂ પીને ઘરમાં ઝઘડો શરૂ કર્યો હતો. જેથી બનાવ સંદર્ભે નર્મદા દ્વારા ફોન કરીને હિનાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ હિના ઘરે આવતા લક્ષ્મી અને તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. ગુનાના કામે પકડાયેલી હિના તેમજ નર્મદા મૃતકની સગી ભાણેજા થતી હોવાનું સામે આવ્યું છે.