ગુજરાતમાં ખાણ ખનિજ વિભાગના ભ્રષ્ટ અધિકારીના પાપે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ઘણી જગ્યાઓ પર બેફામ ખનીજની ચોરી કરવામાં આવી રહી છે. એવામાં ખાણ માફિયાઓ સામે ગીર સોમનાથના ધોરાસભ્ય વિમલ ચુડાસમાએ મોરચો ખોલ્યો છે. તેમણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે તેમને ફરિયાદ કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી નહીં કરાય તો પીએમ મોદીને રજૂઆત કરવાની પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી.
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું – જૂનાગઢમાં માળીયાહાટીના અને માંગરોળ પંથકમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. અધિકારીઓને લોકેશન આપવા છતાં પણ તેઓ ખનીજ માફિયાઓ વિરુદ્ધ એક્શન લઈ રહ્યા નથી, તેવો પણ તેમણે આરોપ લગાવ્યો છે. ત્યારે ખનીજ ચોરી કરનાર ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરવાની ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માંગ કરી છે. સાથે જ તેમણે ખનીજ માફિયા ઉપર અધિકારીઓ કાર્યવાહી નહીં કરે તો પીએમ મોદીને રજૂઆત કરવા તૈયારી પણ બતાવી છે.
તેમણે માળીયાહાટીના અને માંગરોળ પંથકમાં બેફામ ખનીજચોરીનો આક્ષેપ લગાવતા કહ્યું કે ખાણ-ખનીજના અધિકારીઓ લોકેશન આપવા છતાં કામગીરી કરતા નથી. ખનીજ માફિયાઓ દ્વારા આ લોકેશન પર દિવસ રાત બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. તેમણે કહ્યું – વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે હું તેમને લેખિતમાં ફરિયાદ કરીશ કે અધિકારીઓ દ્વારા ખનીજ માફિયા પર એક્શન લેવામાં આવે. અધિકારીઓ બેફામ થઈ ગયા છે, કોઇથી ડરતા નથી, આવા અધિકારીઓ પર એક્શન લેવામાં આવે.
તેમણે કહ્યું કે રૂશ્વત લેવા ટેવાયેલા અધિકારીઓને બધી જ વિગતો આપેલી હોવા છતાં આવા અધિકારીઓ દ્વારા કોઈ એક્શન લેવાતું નથી. ત્યારે આવા અધિકારીઓ પર એક્શન લેવામાં આવે. જે ખનીજ માફિયાઓ ખનીજ અધિકારીઓને હપ્તા આપી રહ્યા છે, તેમના ખાડાઓ માપવામાં આવે, તેમના પર દંડ લાદવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે.





































