અમરેલી પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના ‘મિશન સ્માઈલ’ પ્રોજેક્ટ હેઠળ બાળકોમાં વધતા અપરાધો રોકવા માટે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી કુંકાવાવ ગામે આવેલી વ્રજ વિદ્યાલય ખાતે આ કાર્યક્રમમાં બાળકોને વિવિધ કાર્ડસ અને પેમ્પલેટ્સના માધ્યમથી અત્યંત સરળ શૈલીમાં સુરક્ષાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. ખાસ કરીને બાળકોને સચિત્ર માહિતી દ્વારા ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો હતો, જે આજના સમયમાં અત્યંત અનિવાર્ય છે. કાર્યક્રમ દરમિયાન જો કોઈ અનિચ્છનીય બનાવ બને, તો બાળકો અને વાલીઓએ કઈ સાવચેતી રાખવી તે અંગે પણ વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. ચાઈલ્ડ એબ્યુઝના કિસ્સામાં ત્વરિત મદદ મેળવવા માટે ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર ૧૦૯૮ અને પોલીસનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરાયા હતા. આ અવસરે કુંકાવાવ પોલીસ સ્ટાફના છજીં ભાવેશભાઈ ધ્રાધલા તથા કોન્સ્ટેબલ મયુરભાઇ છૈયાએ ઉપસ્થિત રહી બાળકોને સુરક્ષાનું કવચ પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય વિવેકભાઈ દીક્ષિતે પોલીસ વિભાગનો આભાર માની સન્માન કર્યું હતું અને ટ્રસ્ટના પ્રતિનિધિઓએ પણ આ સુંદર પ્રવૃત્તિને બિરદાવી હતી.





































