સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે આવેલા શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે રવિવારે ફુલકાજળી વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાની નાની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ભગવાન શિવની વિધિવત્ પૂજા-અર્ચના કરી હતી. મંદિરના પૂજારી અશોકબાપુએ જણાવ્યું હતું કે, “આજે ફુલકાજળી વ્રત નિમિત્તે નાની બહેનોએ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી પૂજા કરી, જે ખૂબ જ પ્રેરણાદાયી હતું. આ વ્રત ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.” આ પવિત્ર ઉત્સવ દરમિયાન મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ભરાઈ ગયું હતું. ભક્તોએ પૂજા, આરતી અને ભજનો દ્વારા ભગવાન શિવની આરાધના કરી હતી.