રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમાં રાત્રે સિંહોનું એક ટોળું આવી પહોંચ્યું હતું. સિંહોએ રેઢિયાળ વાછરડીનું મારણ કર્યા બાદ પશુઓ અને શ્વાનો પાછળ દોડ લગાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સિંહોનું આ ટોળું રાજુલા-સાવરકુંડલા હાઈવે સુધી પહોંચ્યું હતું, જ્યાં સિંહોને જોઈને વાહનચાલકો ચોંકી ઉઠ્‌યા હતા અને પોતાના વાહનો થંભાવી દેવા પડ્‌યા હતા. સિંહોની આ લટારને કારણે મોટા આગરીયા ગામ સહિત આસપાસના વિસ્તારોના સ્થાનિક લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ છવાઈ ગયો છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સિંહો વારંવાર ગામમાં ઘૂસી આવે છે અને રેઢિયાળ પશુઓનું મારણ કરે છે. આ બાબતે વનઅધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. વનખાતાની ઢીલી કામગીરીને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.