દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુ નજીક આવતા, મચ્છરથી થતા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગને ફેલાતા અટકાવવા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને જાગૃત બનવા અપીલ કરવામાં આવી છે. માદા એનોફિલીસ મચ્છર મેલેરિયા ફેલાવે છે, જ્યારે માદા એડીસ મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ ફેલાય છે. આ રોગને અટકાવવા મચ્છર ઉત્પતિ રોકવી અનિવાર્ય છે. ચોખ્ખા, ખુલ્લા અને બંધિયાર પાણીમાં મચ્છર ઉત્પતિ થાય છે. આથી, પાણી સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખવા, પાણીનો ભરાવો ન થવા દેવો અને ફ્રીજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓની પાણીની કુંડી જેવા સ્થાનો પરનું પાણી નિયમિત ખાલી કરીને સૂકવવા જણાવાયું છે. છત, છાજલી, અગાસી પર પડેલા નકામા ભંગાર અને ટાયરનો યોગ્ય નિકાલ કરવો.