અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ માટે અવારનવાર લોકાર્પણના કાર્યક્રમો યોજવામાં આવે છે, પરંતુ ઘણીવાર આ કાર્યક્રમોમાં પદાધિકારીઓની ગેરહાજરી ચર્ચાનો વિષય બને છે. આવો જ એક કિસ્સો આજે કુબેરનગર વોર્ડમાં જાવા મળ્યો હતો, જ્યાં નવા બગીચાના ઉદ્ઘાટન પ્રસંગે નેતાઓની પાંખી હાજરી ઉડીને આંખે વળગી હતી.
કુબેરનગર વોર્ડમાં સિંધી સમાજની લાગણી અને વસ્તીને ધ્યાનમાં રાખીને નવનિર્મિત ગાર્ડનનું નામ ‘સાંઈ ઝુલેલાલ ગાર્ડન’ રાખવામાં આવ્યું છે. આ ગાર્ડનનું લોકાર્પણ અને નામાભિધાન મેયર પ્રતિભા જૈનના હસ્તે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સત્તાવાર સમય સવારે ૧૧ઃ૧૫ વાગ્યાનો હતો.
શિસ્તના આગ્રહી ગણાતા મેયર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સમય પહેલા એટલે કે ૧૧ઃ૦૦ વાગ્યે જ સ્થળ પર પહોંચી ગયા હતા. સામાન્ય રીતે જ્યારે મેયર જેવા ઉચ્ચ પદાધિકારી કોઈ વિસ્તારની મુલાકાતે આવતા હોય, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ સ્વાગત માટે અગાઉથી હાજર રહેવું પડતું હોય છે. પરંતુ અહીં ચિત્ર કંઈક અલગ જ જાવા મળ્યું હતું.
નવાઈની વાત એ હતી કે મેયર સમયસર પહોંચી ગયા હોવા છતાં, સ્થાનિક કોર્પોરેટરો ગેરહાજર હતા. મેયર અને અન્ય પદાધિકારીઓએ તકતીના અનાવરણ માટે સ્થાનિક કોર્પોરેટરોની રાહ જાવી પડી હતી. લાંબી રાહ જાયા બાદ ભાજપના માત્ર બે જ કોર્પોરેટરો કાર્યક્રમમાં હાજર થયા હતા, ત્યારબાદ વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સિંધી સમાજ માટે આ એક મહત્વનો પ્રસંગ હતો, પરંતુ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓની ઓછી હાજરીને કારણે કાર્યક્રમની ગરિમા જળવાઈ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સત્તાધારી પક્ષના જ પ્રતિનિધિઓ જ્યારે શિસ્ત અને સમયપાલનમાં થાપ ખાય છે, ત્યારે તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા થવા સ્વાભાવિક છે.