શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચ ૩૮ રનથી જીતી લીધી અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ. આ મેચ દરમિયાન, અમ્પાયરોના કેટલાક નિર્ણયોને લઈને ઘણો વિવાદ થયો હતો, જેમાં કેન્દ્રમાં ગુજરાત ટીમનો કેપ્ટન શુભમન ગિલ હતો, જે બેટિંગ કરતી વખતે વિવાદાસ્પદ રીતે રન આઉટ થયો હતો, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી, ત્યારે ગિલ અભિષેક શર્મા સામે એલબીડબ્લ્યુ અપીલ પરના તેના નિર્ણય અંગે અમ્પાયર સાથે દલીલ કરતો જાવા મળ્યો હતો, જેમાં અભિષેકે પોતે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડવો પડ્યો હતો.
જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ૨૨૫ રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી, ત્યારે તેમની ઇનિંગની ૧૪મી ઓવરમાં, અભિષેક પ્રખ્યાત કૃષ્ણનો ફુલ-ટોસ બોલ ચૂકી ગયો અને બોલ તેના સીધા પેડ પર વાગ્યો. આના પર ગુજરાતની ટીમે આઉટ માટે અપીલ કરી હતી જેને ઓન-ફિલ્ડ અમ્પાયરે ફગાવી દીધી હતી. આ પછી ડીઆરએસ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. બોલ ટ્રેકિંગથી જાણવા મળ્યું કે બોલ વિકેટ સાથે અથડાયો હતો પરંતુ તેની અસર અમ્પાયરના નિર્ણય પર થઈ હોત. આ કારણે અભિષેક શર્માને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો. હકીકતમાં, બોલ ટ્રેકિંગમાં બોલ ક્યાં ફેંકાયો તે દર્શાવવામાં આવ્યું ન હતું; તે ફક્ત અસર અને વિકેટ બતાવતું હતું. આ પછી શુભમન ગિલે ઓન-ફિલ્ડ અમ્પાયર પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને દલીલ વધતી જાઈને અભિષેક શર્માએ દરમિયાનગીરી કરવી પડી.
આ મેચમાં શુભમન ગિલે ૩૮ બોલમાં ૭૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી જેમાં તેણે ૧૦ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. ગુજરાત હાલમાં ૧૪ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને આ સિઝનમાં લીગ સ્ટેજમાં તેની પાસે હજુ ચાર મેચ રમવાની બાકી છે. તેમનો આગામી મુકાબલો ૬ મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે, જેણે પોતાની છેલ્લી છ મેચ સતત જીતી છે.