શબાના આઝમી અને પરવીન બાબી ૭૦-૮૦ના દાયકાની ટોચની અભિનેત્રીઓ હતી. બંને અભિનેત્રીઓએ ‘અમર અકબર એન્થોની’ અને ‘જ્વાલામુખી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. ૭૦ના દાયકામાં પરવીન બાબીની લોકપ્રિયતા એક અલગ જ સ્તરે હતી. દરેક મોટા અભિનેતા, ફિલ્મ નિર્માતા તેમની સાથે કામ કરવા માંગતા હતા. પરંતુ, ધીમે ધીમે આ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી એકલતામાં ખોવાઈ ગઈ. જ્યારે પરવીન બાબી હિન્દી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી હતી, ત્યારે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી હતી. પરંતુ, કોઈ તેની સમસ્યાઓ અને પીડા સમજી શક્્યું નહીં. તાજેતરમાં જ શબાના આઝમીએ પરવીન બાબી વિશે વાત કરી અને તે સમયને યાદ કર્યો જ્યારે તેમને અહેસાસ થવા લાગ્યો કે પરવીન બાબીની અંદર કેટલાક ફેરફારો થઈ રહ્યા છે.
ફિલ્મફેરની યુટ્યુબ ચેનલ પર વાત કરતાં શબાનાએ કહ્યું, “મેં મારી નજર સામે પરવીન બાબીને પાગલ થતી જાઈ. અમે પ્રકાશ મહેરાની ફિલ્મ ‘જ્વાલામુખી’માં સાથે કામ કરી રહ્યા હતા અને અમે સેટ પર હતા. અચાનક તેણે ઝુમ્મર તરફ જાયું અને ચીસો પાડવા લાગી, ‘આ ઝુમ્મર મારા પર પડવાનું છે.’ “અશાંતિ” ના સેટ પર, હું જાતી કે તે ખૂબ ઓછી ખાતી. તે બે દ્રાક્ષ ખાતી અને કહેતી કે હવે મારું પેટ ફાટી રહ્યું છે. પરવીનનું વર્તન ક્રૂ માટે ચિંતાનો વિષય બની ગયું. ઘણી ક્ષણો આવી જ્યારે તમને લાગતું કે તેની સાથે કંઈક ખોટું છે.”
વાતચીત દરમિયાન, શબાના આઝમીએ ઝીનત અમાન સાથે મેક-અપ સેશન દરમિયાન પરવીન અને અભિનેત્રી વચ્ચે થયેલા ભયાનક અનુભવ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, “તેણીએ તેને ખૂબ જ વિચિત્ર રીતે જાયું, જે માનસિક સમસ્યાના વધતા સંકેતો દર્શાવે છે. અમે ક્યારેય માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી ન હતી. તે હંમેશા ઊંડી બાબતો વિશે વાત કરતી હતી. પુસ્તકોની ચર્ચા કરતી હતી. તે એવી શાણપણ શોધી રહી હતી જે તેને સરળતાથી મળતી ન હતી – પરંતુ તે પ્રયાસ કરી રહી હતી અને તે સ્પષ્ટપણે માનસિક રીતે સંઘર્ષ કરી રહી હતી.”
તમને જણાવી દઈએ કે, પરવીન બાબી અને શબાના આઝમીએ લગભગ એક જ સમયે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને સાથે ખ્યાતિ મેળવી હતી. ૧૯૭૩માં પરવીન બોબીએ ‘ચરિત્ર’ અને શબાના આઝમીએ ‘અંકુર’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું. પરવીન તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તેને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પરવીન પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયાથી પીડાતી હતી. વર્ષોના સંઘર્ષ પછી, તેમનું વર્ષ ૨૦૦૫ માં અવસાન થયું. તેમના મૃત્યુ પછી, તેમનો મૃતદેહ ૩ દિવસ સુધી તેમના ઘરે પડ્યો રહ્યો.