મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને યાદ કરીને ભાવુક થઈ ગયા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન પછી મુખ્યમંત્રી ફડણવીસે વિધાનસભામાં શોક પ્રસ્તાવ રજૂ કર્યો. તેમાં ફડણવીસે અજિત પવારને “પ્રિય મિત્ર” તરીકે સંબોધ્યા. તેમણે તેમને એક માર્ગદર્શક, નજીકના મિત્ર અને સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે વર્ણવ્યા. ફડણવીસે અજિત પવારની કાર્યનિષ્ઠા, શિસ્ત અને કઠિન નિર્ણયો લેવાની ક્ષમતાની પ્રશંસા કરી. ફડણવીસે કહ્યું કે જા તેઓ હાજર હોત, તો તેઓ તેમનું ૧૨મું બજેટ રજૂ કરતા અને પછીના વર્ષે ૧૩મું બજેટ રજૂ કરતા. ફડણવીસે કહ્યું કે આ પોતાનામાં એક રેકોર્ડ હોત, પરંતુ એવું બન્યું નહીં.
ફડણવીસે ગૃહમાં કહ્યું કે તેમણે ક્યારેય  કલ્પના પણ નહોતી કરી કે તેમને અજિત પવાર માટે શોક પ્રસ્તાવ રજૂ કરવો પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. અજિત પવાર સાથેનો તેમનો સંબંધ રાજકીય જાડાણથી આગળ વધ્યો. તેમણે કહ્યું કે તેઓ ફક્ત એક સાથીદાર જ નહીં, પરંતુ જાહેર જીવનમાં ભાગીદાર હતા. તેમણે પવાર સાથેના એક દાયકાથી વધુ સમયથી તેમના જાડાણને યાદ કર્યું. ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં તેમના જવાથી બનેલી ખાલી જગ્યા કોઈ ખરેખર ભરી શકતું નથી.
ફડણવીસે તેમના અંગત સંબંધો પર ભાર મૂકતા કહ્યું કે પવાર મારાથી ૧૧ વર્ષ મોટા હતા, ખરેખર દરેક અર્થમાં “દાદા” હતા. પવારને કામના શોખીન ગણાવતા, ફડણવીસે તેમના શિસ્ત, વહેલી સવારની દિનચર્યા અને દૈનિક કાર્યોના ઝીણવટભર્યા આયોજન વિશે વાત કરી, જે તેમણે કહ્યું કે તેઓ મોટાભાગના રાજકારણીઓથી અલગ છે. અજિત પવારનું ૨૮ જાન્યુઆરીએ બારામતી વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પારદર્શક તપાસની માંગણીઓનો જવાબ આપતા કહ્યું છે કે સરકાર સીબીઆઈ તપાસ પણ કરાવશે. તેમણે રવિવારે કહ્યું હતું કે અકસ્માત અંગેનો પહેલો પ્રાથમિક અહેવાલ ૨૮ ફેબ્રુઆરી પહેલા ઉપલબ્ધ થશે.
આ અગાઉ, મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બંને ગૃહોની સંયુક્ત બેઠક સાથે બજેટ સત્રની શરૂઆત કરી. આચાર્ય દેવવ્રતે પોતાનું ભાષણ મરાઠીમાં શરૂ કર્યું અને પછી હિન્દીમાં ભાષણ આપ્યું. આ પછી, ગૃહ રાષ્ટÙગીત વંદે માતરમ, અને રાજ્યગીત, જય જય મહારાષ્ટ્ર માઝાથી ગુંજી ઉઠ્યું. દેવવ્રતે જણાવ્યું હતું કે સરકાર રાજમાતા જીજાઉ, છત્રપતિ શિવાજી મહારાજ, ડા. બાબાસાહેબ આંબેડકર, ભગવાન બિરસા મુંડા અને અન્ય મહાન સમાજ સુધારકોના આદર્શોને અનુસરશે. મહારાષ્ટ્ર નું બજેટ સત્ર ૨૫મી માર્ચ સુધી ચાલશે.