રંગબેરંગી આ દુનિયામાં દરેક રંગનો લ્હાવો લઈ શકે તે જ ખરો માનવ. માનવીય જીવનમાં સુખ દુઃખ તો આવતું જ રહેવાનું પરંતુ દરેક સ્થિતિમાં જે માનવ હંમેશા પ્રફુલ્લીત રહી શકે તે જ માનવ જીવનની સાચી માજા માણી શકે છે. કારણ કે આપણે તો કર્મ કરવા માટે અવતર્યા છીએ ફળ કેવું આપવું, કેટલું આપવું અને ક્યારે આપવું તે સર્વ ઈશ્વર નક્કી કરે છે. માટે ફળની રાહ જોવામાં ને જોવામાં હાલનો સમય વ્યય ના થાય, હાલનું સુખ જતું ના રહે, હાલના જીવનના આનંદથી આપણે વંચીત ના રહી જઇયે તે માટે અત્યારની જ ક્ષણ ને જીવીએ.
દરેકના જીવનનું અંતિમ ધ્યેય માત્ર મૃત્યુ છે. પરંતુ આ મૃત્યુ સુધીની મુસાફરી ને ચાલો જીવી લઈએ. સારા-ખરાબ લોકો વચ્ચે જીવતા જીવતા આપણે ખરા ધ્યેય ને ભુલી જઇયે છીએ. જેમ ઉનાળામાં રસ્તા પર મૃગજળ આપણને ભ્રમિત કરે છે, જેમ ઉનાળામાં રણ વિસ્તારમાં આપને ખાલી પડેલા ખાડા ને સરોવર નિહાળીએ છીએ તેવી જ રીતે  ઇન્દ્રિય તૃપ્તિ માટેના ધ્યેય ને જ આપણે જીવનનું ધ્યેય માની બેસીએ છીએ. પરંતુ રણની બહાર નીકળતા જ આપણને તેવો ભ્રમ થતો નથી. તેવી જ રીતે આ માવીય ભ્રમના ચક્ર માંથી બહાર નીકળ્યા પછી આપણને જીવનનો ખોટો ભ્રમ થતો નથી. આધુનિક સમયમાં બધું ખુબ જ જરૂરી છે.પરંતુ આ આધુનિકતા ની સાથે આપણે આપણી જ વાસ્તવિકતા ભુલી જઇયે છીએ.જયારે માનવીને  સ્વયં જ પોતાની વાસ્તવિકતા વિશે અજાણ હોઈ ત્યારે તે માનવી કઈ રીતે સુખ નો આનંદ માણી શકે. તે માનવી કઈ રીતે નિશ્ચિત કરી શકે કે તે હકીકતમાં સુખી છે કે પછી દુઃખી.? તે માનવી કઈ રીતે જીવનનો ભરપૂર અને ખરો આનંદ માણી શકે. માટે જીવનનો સાચો આનંદ માણવા માટે, જીવનનો ખરો રસ્તો અપનાવવા માટે, જીવનના મુખ્ય ધ્યેય સુધી સરળતાથી પહોંચવા માટે, પ્રથમ માનવીએ પોતાના જીવનની વાસ્તવિકતા જાણવી અને સમજવી એ અત્યંત જરૂરી છે.
જીવનની આ મુસાફરીમા માનવી અથડાય ઘણું છે પરંતુ અથડાતાની સાથે નવી રચના ધારણ કરે છે. અસહ્ય ઘા સહન કર્યા વગર તો પથ્થર પણ ઈશ્વર બનતો નથી તો આપણે તો માણસ છીએ. સહન કર્યા વગર આપણું ઘડતર કેવી રીતે શક્ય છે. ભાગદોડ ની આ જીંદગી માંથી થોડો સમય પોતાના માટે કાઢી એક સફર કરો. ક્યારેક પ્રકૃતીની ગોદમાં જઈ આત્મસાદ કરો. ક્યારેક અધર્મ સામે પ્રતિકાર કરો તો ક્યારેક સત્યધર્મ નો ફેલાવો કરો.
આ જીવનની મૃત્યુ સુધીની મુસાફરીમાં ધર્મનો સાથ આપશો તો આમે કરોડો ની સેના હશે છતાં પણ તમે વિજયને પામશો કરણ કે ત્યારે તમે અર્જુન બનશો અને તમારી સાથે કૃષ્ણ ઉભા હશે. પરંતુ થોડી ચૂક થઇ અને તમે અધર્મની સાથ આપ્યો તો તમારી સાથે કર્ણ જેવા મહાપરાક્રમી મીત્ર હશે અને દાદા ભીષ્મ જેવા યોદ્ધા હશે છતાં પણ નાશ નિશ્ચિત છે. આ સમજણ સાથેનું જીવન જીવવું એ જ ખરી જીવનની મુસાફરી છે.
ચાલો આપણે સૌ જીવન થી મૃત્યુ સુધીની આ મુસાફરી ને સફળ બનાવી જીવન સાર્થક બનાવીએ. ભારતને શ્રેઠ બનાવીએ. વંદેમાતરમ.