છરીએ કાપો તો ચોસલા પડે એવું અઘોર અંધારૂ અવની પર છવાઇ ગયું હતું. માલણના વહેતાં નીર થંભી ગયા હતાં. નગર આખું જંપી ગયુ હતું. ત્યારે મહુવાના અઠંગ જુગારીઓની રમત જામી હતી. મોટા મોટા દાવ ચાલી રહ્યાં હતાં. હાર – જીતની હોડ જામી ત્યારે એક જુગારી બોલ્યો, ‘આવી જા મુળચંદ પટમાં ભલે થઇ જાય.’
મુળચંદ દાવ પર દાવ લગાવે છે પણ કોણ જાણે એના પાસા અવળા પડી રહ્યાં હતાં. બાજીમાં હારેલા રૂપિયા પાછા મેળવવાનાં લોભમાં શ્રાવક શેઠનો પુત્ર મુળચંદ જાતે વણીક, બાપદાદાની આબરૂ ગામમાં ખુબ જ પણ સોબત ફેરના કારણે બગડી ગયેલ. એને મન આજ જુગાર જાણે જીવતરનો આનંદ થઇ બેઠો હતો. વગર મહેનતે શ્રીમંત થઇ જવાના લોભમાં મોહ જાગ્યો હતો. એમા મુળચંદ જુગારની બાજીમાં બધુ હારી ગયો. ખાલી થઇ વહેલી સવારે એ જયારે ઘેર આવ્યો ત્યારે મોટાભાઇ અને બાપા ગુસ્સામાં ઉભા હતાં. ‘બેવકુફ આખી રાત કયાં હતો..?’
બાપના બરછી જેવા વેણ છુટયા, મુળચંદ કશુ બોલ્યો નહીં. બાપાની આબરૂનો ધજાગરો બંધાવજે.’
મુળચંદના મનમાં મથામણ ચાલી જુગારમાં રૂપિયા હારી ગયો છું, જીવતર તો નથી હાર્યોને મુળચંદે
ગૃહત્યાગ કર્યો. ઘરેથી નીકળેલ મુળચંદ ભાવનગર પુગ્યો. સંસારની મોહમાયામાંથી મન ઉઠાડીને મહુવાથી આવેલ મુળચંદે સદ્‌ગુરૂનું શરણું ગોત્યું. તે દિવસોમાં ભાવનગરમાં ધર્મ ધુરંધર મહાત્મા વૃધ્ધિચંદ્રના બેસણા હતાં. અહિંસાની આહલેક જગાડનાર જૈન મહાત્માનો પ્રભાવ ભાવનગરને ભક્તિભાવમાં ભીંજવી રહ્યો હતો. બસ મુળચંદે આવા મહાત્માનું શરણ લીધું. સંસારની મોહમાયા છોડી એમણે સત્ય સમજી લીધું. વિ.સં. ઓગણીસો તેતાલીસ, જેઠ મહિનાની પાંચમને દિવસે મુળચંદ મટી મુનિ ધર્મવિજય નામ ધારણ કર્યું. મુનિએ વિજયને વરવા વિહાર શરૂ કર્યો. કચ્છ, કાઠિયાવાડ, મારવાડ, મગધ અને માળવા સુધી ઉઘાડા પગે યાત્રા કરી. સત્ય, અહિંસાની છડી પોકારીને આચાર્યપદને પામી એમણે ધરમ કરમનો માર્ગ કર્યો.
જેણે જીવતરમાં એકડો ય ઘુંટયો ન હતો એવા આ મુનિ મહારાજની વિદ્વતા વિદેશમાં ગુંજી ઉઠી. ઇટાલીના ડો. એલ. સી. ટેસેટોરીએ મુનિ મહારાજની મુલાકાત લીધી. ઇંગ્લેન્ડ, ઇટાલી, ફ્રાંસ વિ. દેશોમાં આચાર્યજીના જીવનમાં અનેક કવન અને કથન થવા લાગ્યા. જર્મન વિદ્વાન ડો. કર્ટલિએ લીટઝીકમાં મળેલી પદાર્થ વિજ્ઞાન પરિષદમાં ‘વિજય ધર્મસુરિ’ અને તેમના ગ્રંથો ઉપર એક ખાસ નિબંધ વાંચીને સૌને આભા કરી દીધેલા. આવા મહાત્મા મુનિ ધર્મવિજય સુરિનું જીવનચરિત્ર ડો. ગેન્ટીનોએ અંગ્રેજીમાં લખ્યું છે.