શહેરની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો આક્ષેપ, કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત
અમરેલી નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રીના આગમન પહેલાં શહેરની ગંદકી અને અવ્યવસ્થા છુપાવવા રસ્તાઓ પર પડદા ગોઠવવાની કાર્યવાહી સામે વિવાદ ઊભો થયો છે. અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપ ધાનાણીએ આ મુદ્દે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે શહેરમાં વર્ષોથી ગંદકી, કચરાના ઢગલા, તૂટેલા રસ્તા અને ખુલ્લી ગટર જેવી સમસ્યાઓ યથાવત છે. છતાં, કાયમી ઉકેલ લાવવાના બદલે માત્ર મુખ્યમંત્રીને હકીકત ન દેખાય તે માટે પડદા ગોઠવવામાં આવી રહ્યા છે, જે જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ ગણાયો છે.કોંગ્રેસે માંગ કરી છે કે મુખ્યમંત્રીને શહેરની સાચી સ્થિતિથી માહિતગાર કરવામાં આવે અને સમસ્યાઓનો તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં આવે. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.રજૂઆતમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આવી કાર્યવાહી ભવિષ્યમાં થશે તો નાગરિકો અને વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.










































