વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવતીકાલે રાષ્ટ્રીય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને સંબોધન કરશે તેમજ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કરશે.
જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ આવતીકાલ તા. ૦૨ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે. જ્યારે, કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનો સમારોહ યોજાશે. રાજ્ય અને જિલ્લા કક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કરશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના ૨૦માં હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૨૦,૫૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં પણ “પીએમ કિસાન ઉત્સવ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે, રાજ્યની ગ્રામ પંચાયતો અને ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્ય મંત્રી મંડળના સભ્ય, સાંસદઅને ધારાસભ્ય સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપરાંત આશરે ૨.૫ લાખથી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં ૧૯ હપ્તાના માધ્યમથી કુલ રૂ. ૩.૬૯ લાખ કરોડની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને ૧૯ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૯,૯૯૩ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.