આકાશી ખેતી ઉપર આધારિત અમરેલી જિલ્લામાં મોટાભાગે ચોમાસું વાવેતર મુખ્ય છે અને અમરેલી જિલ્લામાં વાવણી બાદ ઘણાં સમયથી વરસાદ વરસ્યો નથી. આથી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા હોય, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી તેમજ અમરેલીનાં ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ ગતરોજ ખેતીને પિયતનું પાણી મળી રહે તે હેતુથી ખેડૂતોને ૮ કલાક મળતી વીજળીને ૧૦ કલાક કરી આપવા તેમજ સૌની યોજનાનાં માધ્યમથી જિલ્લાનાં જળાશયો ભરવા માટે ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી પરશોતમભાઈ સોલંકી, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રૂબરૂ રજૂઆત કરી હતી. સરકારનાં મંત્રીઓએ આ વિષયે ઘટતું કરવા ખાતરી આપી હતી. આજ રોજ રાજ્યની કેબિનેટ બેઠકમાં આ રજૂઆત અંગે ચર્ચા કરી ખેડૂતોના હિતમાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. જેમાં વરસાદની ઘટ વાળા વિસ્તારમાં ૧૦ કલાક વીજળી આપવામાં આવશે તેમજ જરૂર છે તેવાં વિસ્તારમાં નર્મદાનું પાણી આપી ડેમ-તળાવો ભરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા માંગણીનું તરત નિરાકરણ લાવવા બદલ કૌશિકભાઈ વેકરીયા અને અતુલભાઈ કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી છે.