સવિતાનારાયણના રથના ઘોડા આથમણો ઢાળ ઉતરી ગયા હતાં. ગામનાં ચોરે ઝાલરૂ રણજણતી હતી. વનસૃષ્ટિની રાતનું રજવાડુ આળસ મરડીને બેઠુ થઇ રહ્યુ હતું. એવા ટાણે ગુરૂદેવ અઘોરાનંદજી શિષ્યાને સાનના પિયુષ પાન પાયેલા શબ્દો સંભળાવતા હતાં. તેમા મીઠપ અને મમતા ભળેલા હતાં. તેમાંથી શિષ્યાને અનુભવ અને અનુભૂતિનો ગેબીનાદ સંભળાયો.
‘ગુરૂ અઘોરાનંદજીને શિષ્યા આખા જગતની પરમ ભક્તિની સીમા સમાન લાગી. અઘોરાનંદજીની ગીરની ગુફા તપ જપથી ઝગારા મારતી. આ સંતનો ઉપાસના વેદ હતો આયુર્વેદ. વૃક્ષ, વેલીઓ સાથે જાણે જુનો નાતો હોય એમ એને વાચા ફૂટતી અને પોતાના ઔષધિ ગુણની વાત માંડતા. અઘોરાનંદજીના હાથે અપાયેલ ઔષધિ અમરત થઇને રહેતી. અઘોરાનંદજીને ચાર શિષ્યો હતાં.
જેમાં એક શિષ્યાએ આયુર્વેદનો અમી કૂવો ગટગટાવવા સંતના ચરણ સેવ્યા. જેમનું નામ શાંતાબહેન ઉત્તર ગુજરાતનાં પાટીદાર ખોરડે જન્મેલા.
શૈશવ અને મુગ્ધાવસ્થા, અમદાવાદમાં અભ્યાસ કરી સ્નાતક થયા. સંસાર જેને છબ્યો ન હતો એવી જગદંબારૂપ નારી સામે સમસ્યા ખડી થઇ. બહેન અને પિતા રોગમાં સપડાયા, કોઇ દવા લાગુ પડતી નહીં. ત્યારે શાંતાબહેનને અઘોરાનંદનું ઔષધ અમરત યાદ આવ્યું. તે આવ્યા ગુરૂદ્વારે, ઔષધિઓ લીધી અને એકજ દિ’એ સાજા થઇ ગયા.
બસ એજ ટાણે શાંતાબહેનનો માહ્યલો જાગ્યો. એને થયું ઉપાસના કરવી તો વેદની કરવી. જયોતિષ સંઘની પ્રવૃતિ છોડીને આવ્યા અઘોરાનંદ પાસે. એની સામે અઘોર જંગલનો વસવાટ ખડો થયો. એણે આયુર્વેદ માટેની વનસ્પતિ ઓળખવા બરડો, અરવલ્લી, છેક હિમાલયની કંદરા ખુંદી શાંતાબેહનને ગુણધર્મ સમજાવ્યા. આયુર્વેદની અમરવેલ પાંગરવા માટે શાંતાબહેનમાંથી પુજ્યશ્રી અનંતાનંદનો ઉદય થયો. બહુજન હિતાયને ધ્યાનમાં રાખી ખોરાણામાં આયુર્વેદ આશ્રમ શરૂ થયો. જેમાં રોજ પાંચસો માણસોનું રસોડું ચાલે. આવનાર માણસના રોગનું નિદાન થાય અને ખરૂ ઔષધ અપાય.
હવે મા અનંતાનંદ વિદેશનો પ્રવાસ કરી રહ્યા હતાં ત્યારે ગુરૂદેવનું શરીર શાંત થયું. પોતે પરત આવ્યા અને ગુરૂદેવના દિવ્ય સંદેશ પ્રમાણે, સાચી ઔષધિ ઉગાડી લોકસેવા કરવા માટે જમીન મળી ત્યાં ગુરૂજીની અગાઉ આપેલ આજ્ઞા અનુસાર દેહગામ પાસે વહેલાલમાં આયુર્વેદ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. ગુરૂ આજ્ઞા અનુસાર આદર મુજબ મા અનંતાનંદે સંશોધન કેન્દ્રને નામ આપ્યું ‘દિવ્ય જયોત’. આ કેન્દ્રમાં કેન્સર, વૃધ્ધોની સેવા વિગેરે શરૂ થયેલ છે.