સાવરકુંડલા તાલુકાના શાંતિનગર ગામના ખેડૂતો કેશુભાઈ કાનાણી અને માવજીભાઈ કાનાણીએ માવઠાને કારણે પલળી ગયેલ મગફળીના પાથરાને સળગાવી નાખ્યા છે. ખેડૂતે સાત વીઘામાં મગફળી વાવી હતી પરંતુ કમોસમી વરસાદમાં તે પલળી જતા રોષે ભરાઈને તમામ મગફળીને સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો. પલળેલી મગફળીને હવે ખેતરની બહાર કાઢવામાં પણ મજૂરી લાગતી હોવાથી ખેડૂતોએ કંટાળીને પાથરાને સળગાવી દીધા છે. આમ ખેડૂતે એક પ્રકારનો રોષ વ્યક્ત કર્યો છે. સતત વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. ખેડૂતોનો જે ઉભો પાક હતો તે સાવ પલળી જતા ખેડૂતોને ખૂબ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.







































