અમરેલીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા માલાશિકા ગામે તા.૧૪-૧૧-૨૦૨૫નાં રોજ પ્રાકૃતિક વિષય ઉપર તાલીમ યોજાઈ હતી. કેવીકે વિષય નિષ્ણાંત (ગૃહ વિજ્ઞાન) ડો. નેહા તિવારી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક પેદાશોનું મૂલ્યવર્ધન કેવી રીતે કરવું તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. કેવીકેનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મીનાક્ષી કે. બારીયા દ્વારા કેવીકેની કામગીરી વિશે તથા પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને જમીન અને પાણીના પૃથ્થકરણ માટે નમૂનો કેવી રીતે લેવો એ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ડો. શ્વેતા એ. પટેલ, કેવીકે વિષય નિષ્ણાંત (સશ્ય વિજ્ઞાન) દ્વારા પ્રાકૃતિક ખેતીના આયામો સમજાવી, તેને બનાવતી વખતે તકેદારીના કયા કયા પગલા લેવા જોઈએ અને તેના ઉપયોગ તથા ફાયદા વિશે જણાવ્યું હતું. શિયાળુ પાકોમાં વાવણી કરતી વખતે લેવાની થતી કાળજીઓ વિશે તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવીન જાતોની લાક્ષણિકતાઓ વિશે પણ ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ તાલીમમાં અંદાજે ૫૫ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.