ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં ૬ મહાનગરપાલિકા સહિત અનેક નગરપાલિકા અને પંચાયત માટેની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ તરફથી પણ જરૂરી પ્રક્રિયાઓ આગળ વધારવામાં આવી રહી છે જ્યારે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે પણ ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરવાનું શરૂ કર્યું છે.
માહિતી અનુસાર માર્ચ મહિનાના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના છે. માનવામાં આવે છે કે વિધાનસભાનું ચાલુ સત્ર પૂર્ણ થયા બાદ ચૂંટણી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આ વખતે રાજ્યમાં ૬ મહાનગરપાલિકા સાથે ૯ નવી મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની છે જેના કારણે ચૂંટણીનું મહત્વ વધુ વધી ગયું છે.
તે ઉપરાંત ૮૩ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૨ તાલુકા પંચાયત માટે પણ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામત સાથે બેઠકો ફાળવવામાં આવશે, જેને લઈને રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવી રહ્યા છે.
ચૂંટણી નજીક આવતાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ સંગઠન મજબૂત બનાવવા, ઉમેદવારો પસંદ કરવા અને પ્રચારની રણનીતિ ઘડવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી રાજ્યના રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.