(1)દિવસે અંધારું કરવું હોય તો કાળો લેમ્પ ક્યાં મળશે ?

જીગર યાદવ (દાત્રાણા-પાટણ)

તમે જ કાળા લેમ્પનું કારખાનું નાખો અથવા આંખો બંધ રાખો.

(2) આખાં ગામની બાયુને પકોડી ખવડાવનાર ભૈયાની લારીએ, એની ખુદની જ પત્ની પકોડી ખાવા કેમ નહી આવતી હોય?

કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)

આપણા માટે જે  ભૈયા છે એ એની પત્ની માટે છૈયા છે. એ લારીએ ન આવે. હોમ ડિલિવરી મંગાવે.

(3)આ ગરમીમાં ઠંડીનો અહેસાસ કેવી રીતે થાય?

રતિલાલ ડાભી (લીલિયા મોટા)

નાવલી બજારમાં જઈ અઢીસો ગ્રામ લીંબુનો ભાવ પૂછી આવો.

(4)મારે વિદ્યાર્થીઓ માટે ક્લાસિસ ખોલવા છે. શેના કલાસ શરૂ કરું?

રામભાઈ પટેલ (સુરત)

બાળકોને ઠેકડા મારતા શીખવાડવાના કલાસ શરૂ કરો. જો જો બહુ છોકરાઓ આવશે અને માબાપ પણ રાજીરાજી થઈ જશે એની ગેરંટી..!

(5) મારે મારો અવાજ કોયલ જેવો કરવો છે. શું સલાહ આપશો?

રમાબેન પટેલ (અમદાવાદ)

કોયલ બોલે એટલું જ બોલવાનું રાખો.

(6)અમારે વારેવારે લાઈટ જાય છે.તમારે?

પલક કમલેશભાઈ ( ભરૂચ)

અમારે વારેવારે આવે છે!

(7)’પાનનો ગલ્લો’ નામ કેમ પડ્યું હશે?

અનિરુદ્ધસિંહ રાઠોડ (નવા વાઘણીયા)

પાન ન ખાવું હોય એ ત્યાં જાય નહિ એ માટે.

(8)  પાકિસ્તાનના પ્રમુખ સત્તામાં આવે એટલે પહેલું કામ કયું કરતા હશે?

ધવલભાઈ પાનવાળા (રાજકોટ)

છાપામાં જાહેરાત આપતા હશે કે મારું લશ્કર મારા કહ્યામાં નથી!

(9)મારા ઘરે કેરી ખાવા આવશો?

અમિત પ્રજાપતિ (બાબરા)

આભાર… ગીર પંથકમાં પણ મારે ઘણા મિત્રો છે. કાશ, કોઈએ આવી ઉદારતા બતાવી હોત તો !

(10)પાનખરે ઊંઘ વિના આળોટવાની છે મજા. સવાર – સાંજ ટીકડા આરોગવાની છે સજા. આ કૂટપ્રશ્નનો ઉકેલ શું ? ડાહ્યાભાઈ આદ્રોજા  (લિલીયા મોટા)

તમે કવિ સંમેલનમાં જવાનું રાખો. આવું રજૂ કરશો તો ભવિષ્યમાં કવિ થવાના ચાન્સ વધશે.અને શ્રોતા તરીકે બેસશો તો કવિતા સાંભળીને ઊંઘ આવી જશે.

(11)લગનમાં પેલા સાત ફેરા હતા. હવે કેમ ચાર ફેરા ફરે છે?

પ્રિયંકા કૃણાલ સાવલિયા ( સુરત )

હાલવાની આળસ…!

(12)તમે ફિલ્મોમાં જવાના હતા એનું શું થયું?

રણજીત પરમાર (સુરેન્દ્રનગર)

ઇ તો એક બે હીરાઓ ટઇડપઈડ કરતા હતા કે અમે હાસ્યાય નમઃ લખી શકીએ… એટલે એમને બિવડાવવા ફિલ્મોનું કીધું હતું. હવે ઇ છાનામાના બેસી ગયા છે.

(13) પત્નીને ધર્મપત્ની કહેવાય તો પતિને..?

આસિફ કાદરી (રાજુલા)

તમારા ભાઈ.

(14) હાથીને ઉધરસ થઈ જાય તો શું થાય?

જય દવે (ભાવનગર)

અર્ધું જંગલ બહેરુ થઈ જાય.

(15) એક દરિયામાં કેટલા લોટા પાણી હોય?

ઉન્નતિ મહેતા (રાજકોટ)

લોટો જોયા પછી ખબર પડે.