પ્રાણની કેળવણીનું સૌથી અગત્યનું પાસુ વ્યક્તિ પોતે છે. તેમાં બાળકને પોતાના વિષે જાગૃત બનાવવાની તાલીમ આપવી જોઈએ. ઈચ્છાઓ, આવેગો આ બધુ બહારથી આવે છે. તેને વશ થવું જોઈએ નહિ. એ વાત નાનપણથી જ બાળકોને શીખવવી જોઈએ.
બાળકોમાં પ્રગતિ માટેનો સંકલ્પ જગાડવાનો છે. બાળકો ખૂબ નાના હોય ત્યારે પણ એમાં સંકલ્પ શક્તિ જાગૃત થઈ શકે છે. જ્યારે બાળક એમ માને છે કે, આ હું નહિ કરી શકું, અને જ્યારે બાળક એમ કહે કે,‘આ કામ મારાથી નહિં થાય’ તે સમયે માતા-પિતાએ બાળકમાં આત્મવિશ્વાસ જગાડવો જોઈએ. એ કામ તું જરૂર કરી શકીશ એવું પ્રોત્સાહન આપીને તેના મનની લઘુતાગ્રંથીને દૂર કરવી જોઈએ. આ પ્રાણ શક્તિની કેળવણી પણ ઈન્દ્રિઓની શક્તિઓનો વિકાસ, ચારિત્ર્ય ઘડતર, પ્રબળ સંકલ્પ શક્તિ, શ્રેષ્ઠ વસ્તુઓ પ્રત્યે રૂચિ, એ મુખ્ય અંગો છે. આથી માતા-પિતા અને શાળાનાં શિક્ષકોએ આ બાબત પ્રત્યે જાગૃત રહેવું જોઈએ.
શરીર અને પ્રાણની કેળવણીની સાથે સાથે મનને પણ કેળવવાનું છે. અત્યારે માનવપ્રકૃતિમાં મન એ સર્વોપરી છે. કોઈપણ કાર્ય પહેલાં વિચાર રૂપે મનમાં આવે છે. પછી પ્રાણમાં થઈને શરીર દ્વારા એ કાર્ય પાર પડે છે. આથી મન જો કેળવાયેલું અને નિયંત્રિત હશે તો જીવન પણ વ્યવસ્થિત અને સંવાદી હશે. પરંતુ મનને વ્યવસ્થિત અને નિયંત્રિત કરવાનું શિક્ષણ કોઈ શાળા કે મહાશાળામાં આપવામાં આપવામાં આવતું નથી. આથી માતા-પિતાએ જ બાળકોના મનને પણ કેળવવું પડે છે.
મનને કેળવવાની કળાઃ આપણી પ્રાચીન વિદ્યાભ્યાસની પધ્ધતિમાં ગુરૂગૃહે શિક્ષણ થતું અને બાળકને ત્યાં જ સમૂહમાં રહેવાનું હતું. આથી તેનાં શરીર, પ્રાણ અને મન આ ત્રણેયનું શિક્ષણ ઉપરાંત આત્માનું જ્ઞાન પણ તેને પ્રાપ્ત થતું. તેથી તે આપોઆપ ઉત્તમ મનુષ્ય બની જતો. આ માટેના બે સંસ્કાર તે વિદ્યાભ્યાસના સંસ્કાર છે.
ઉપનયન સંસ્કાર:- આમાં બાળક સાત વર્ષનું થાય એટલે વેદ મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત આપવામાં આવે છે. તેથી તે દ્વિજ બને છે. તેનો જ્ઞાનમાં જન્મ થાય છે. એ માટે તે હવે જ્ઞાન મેળવવા માટે વેદાઅભ્યાસ કરવા માટે અધિકારી બને છે. એ માટે હવે તેને જ્ઞાનમાં વિકાસ પામી તેનો સર્વાંગી વિકાસ કરનારાં તેનાં માતા-પિતા એટલે કે ગુરૂ અને ગુરૂપત્ની પાસે જવાનું હોય છે. શ્રેષ્ઠ મનુષ્ય બનવાનું શિક્ષણ તેને ગુરૂગૃહે જ પ્રાપ્ત થાય છે. ત્યાં એનો બીજો સંસ્કાર થાય છે. અને તે છે વેદારંભ સંસ્કાર.
વેદારંભ સંસ્કારઃ- ગુરૂ હોમ – હવન કરાવીને તેની ચિત્ત શુધ્ધિ, દેહશુધ્ધિ કરાવીને પછી, વેદના મંત્રોચ્ચાર કરાવીને તેનો વેદાભ્યાસ પ્રારંભ કરે છે. આમ આત્મજ્ઞાનની સાથે સાથે ભૌતિક વિદ્યાનું જ્ઞાન પણ તેને ગુરૂગૃહે પ્રાપ્ત થાય છે. પણ આજના યુગમાં એ શક્ય નથી. શાળામાં તો માત્ર પાંચ કલાક જ બાળકો રહેતા હોય છે. એટલે માતા-પિતાએ જ બાળકોના મનને પણ કેળવવાનું રહે છે. મનની કેળવણીના મુખ્ય પાસાંઓ આ પ્રમાણે છે.
૧) મનની એકાગ્રતા વધારવી, એકાગ્રતાની સાથે સાથે બાળકની અવલોકન શક્તિ પણ વિકસાવવી. ૨) ચિત વિકાસ કરવો. બાળકનું મન વિકાસ પામે એ માટે તેની જિજ્ઞાસાવૃત્તિ ખીલે તેવા પ્રયત્નો કરવા જોઈએ. તેનું વાંચન વધે તે માટેનું વાતાવરણ સર્જવું જોઈએ. હોશિયાર બાળકની સોબતમાં બાળકને રાખવું જોઈએ. જેથી આપોઆપ તેનામાં હોશિયારી વધે છે.
૩) વિચારો પર કાબૂ મેળવતાં શીખવવું જોઈએ. માતા-પિતાએ બાળકને પોતાની અંદર આવતા અને ધમાસણ મચાવી જતા વિચારોને જોતાં શીખવવું જોઈએ. વિચારો બહારથી આવે છે. સિપાઈઓની જેમ હુમલા કરીને આપણને ઘાયલ કરીને ચાલ્યા જાય છે. આથી આવા વિચારો પર ધ્યાન જ ન આપવું જોઈએ. એ બાળકને નાનપણથી જ શિખવવું જોઈએ. કેટલાય વિચારો મનમાં આવતા હોય છે. તેમાંથી ક્યા વિચારનો અમલ કરવો તે આપણા પર નિર્ભર છે. તે અંગેની વિવેકશક્તિ બાળકમાં જાગે તે માટેની તાલીમ આપવી જરૂરી છે. પોતાના મનને તપાસવાનું, વિશુધ્ધ કરવાનું, નકામા વિચારોને મનમાંથી હાંકી કાઢવાનું બાળકોને ખાસ નાનપણમાં જ શીખવવું જોઈએ. નહીંતર મોટાં થતાં એમનું મન વશમાં રહેતું નથી અને સતત ભટક્યા કરે છે.
૪) શાંત મનમાં ઊર્ધ્વમાંથી આવતી પ્રેરણાઓને ઝીલતાં શીખવવાનું છે. બાળકમાં તો અનેક શક્તિઓ રહેલી છે. એ શક્તિઓને ખીલવવાની છે. એ માટેની પ્રેરણાઓ સતત મળતી જ હોય છે. પણ ડહોળાયેલા મનમાં એ ઝીલાતી નથી. આથી બાળકના મનને શાંત રહેતા અને એ માટે ધ્યાન પણ શીખવવાનું રહે છે. માતા-પિતા બાળકના શરીરને ઘડવામાં તો ધ્યાન આપે છે. પણ એ સાથે સાથે મનને ઘડવામાં પણ ધ્યાન આપે છે. તો સુંદર સુદ્રઢ શરીરમાં ઉન્નત ચારિત્ર્ય ધરાવનાર સંક્લ્પબદ્ધ સુસ્થિર મન તૈયાર થશે. આવા એકાગ્ર મનથી મનુષ્ય પોતાનો આત્મવિકાસ સાધી શકશે. આત્મ કેળવણી પછી તે પોતાની રીતે કરી શકશે. પોતાનાં બાળકોને મહાન બનાવવાની શક્તિ માતા-પિતા પાસે રહેલી છે. ફકત તેમણે જાગૃત રહીને પોતાના બાળકોમાં ઉંડો રસ લઈને તેમના જીવનને સાચો વણાંક આપવાનો રહે છે.
આ કાર્ય કરવામાં કોઈ ખર્ચ થતો નથી. એવી વિશિષ્ટ તાલીમની પણ જરૂર પડતી નથી. એવી કોઈ ખાસ આવડતની પણ જરૂર રહેતી નથી. જરૂર છે ફક્ત દીર્ધદ્રષ્ટિની, પ્રેમની, હુંફની, બાળકની ચેતનાના સ્તર સુધી પહોંચવાની અને તેના જીવનને સામાન્યતામાંથી દિવ્યતામાં લઈ જવાની સાચી અભિપ્સાની. જો માતા-પિતામાં આટલું હશે તો તેમના ખોળે આવેલા માનવ શિશુઓ દેવશિશુઓમાં પલટાઈને દેવાત્માઓ બની એવાં મહાન કાર્યો કરનારાં બનશે કે જેના દ્વારા માનવજાતિનું તેજોમય ભવિષ્ય રચાશે અને તેના સર્જકો હશે જાગૃત માતા-પિતાઓ અને તેન ગુરૂજનો.
સંદર્ભઃ જયોતિબહેન થાનકીઃ દેવશિશુના ઘડવૈયા માતાપિતા












































