ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ વિપક્ષને આડે હાથ લીધા હતા. જગદીશ વિશ્વકર્માએ આક્રમક અંદાજમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યના વિકાસ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા.
ગુજરાત વિધાનસભા ગૃહમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે, “એક સમય હતો જ્યારે વિશ્વ ભારતને માત્ર ‘સપેરાઓ (મદારીઓ) ના દેશ’ તરીકે ઓળખતું હતું. પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વમાં ભારતે આ છબી બદલી નાખી છે અને દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ સરકારનો વિકાસ આજે કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યો છે. માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ તાજેતરમાં બનેલી નવી નવી પાર્ટીઓને પણ ગુજરાતનો વિકાસ હજમ થતો નથી. આજે વિશ્વની મોટી ફોરેન કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે આતુર છે અને અહીં પોતાના પ્લાન્ટ સ્થાપી રહી છે. રમતગમત ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ વિશે વાત કરતા તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે વર્ષ ૨૦૩૦માં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે, જે સમગ્ર રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક ક્ષણ હશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ આત્મવિશ્વાસ સાથે ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોજાનારી નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં વિપક્ષનો સંપૂર્ણ સફાયો થઈ જશે. જનતા ભાજપના વિકાસ કાર્યો પર મહોર મારશે અને વિપક્ષ પાસે હાર સિવાય કંઈ જ નહીં બચે. જગદીશ વિશ્વકર્માએ વિપક્ષની જૂની કાર્યપદ્ધતિ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “ભાજપ સરકાર માત્ર વાયદાઓ નથી કરતી. જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ભાજપ કરે છે, તેનું લોકાર્પણ પણ ભાજપની સરકાર જ કરે છે.” આ પંક્તિ દ્વારા તેમણે સરકારની સમયબદ્ધ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.






































