ચટાકેદાર સુરતી ઊંધિયું
– સામગ્રીઃ નાની બટાકી ૨૫૦ ગ્રામ, રતાળુ ૨૫૦ ગ્રામ, શક્કરિયાં ૨૫૦ ગ્રામ, સુરતી પાપડી ૨૫૦ ગ્રામ, દાણાવાળી પાપડી ૨૫૦ ગ્રામ, રવૈયા ૨૫૦ ગ્રામ, લીલું લસણ બારીક સમારેલું ૨ કપ, બારીક સમારેલી કોથમીર ૨ કપ, સુરતી તીખાં લીલાં મરચા ૧૦ નંગ,
– મેથીના મુઠિયાની સામગ્રીઃ મેથી બારીક સમારેલી ૨ કપ, ભાખરીનો લોટ ૨ કપ, ચણાનો લોટ અર્ધો કપ, સોજી ૨ ચમચી, તેલ ૪ ચમચી, આદુ-લસણ-મરચાની પેસ્ટ ૩ ચમચી, મરચાની પેસ્ટ ૧ ચમચી, હળદર ૧ ચમચી, લાલ મરચું ૧ ચમચી, ખાંડ ૨ ચમચી, લીંબુનો રસ સ્વાદ મુજબ, તળવા માટે તેલ
– રવૈયામાં ભરવાની સામગ્રીઃ કોપરાનું છીણ ૧ ચમચી, ગરમ મસાલો ૧ ચમચી, લીલું લસણ બારીક સમારેલું ૨ ચમચી, કોથમીર બારીક સમારેલી ૨ ચમચી, ચણાનો લોટ ૩ ચમચી, શિંગદાણા-તલનો ભૂકો ૨ ચમચી, લાલ મરચું ૧ ચમચી, ધાણાજીરુ ૨ ચમચી, આદુ-મરચાંની પેસ્ટ ૨ ચમચી, લસણ પેસ્ટ ૧ ચમચી, તેલ ૨ ચમચી, મીઠું સ્વાદાનુસાર.
– વઘારની સામગ્રીઃ ૧/૨ કપ તેલ, ૧ નાની ચમચી અજમો, ૧ નાની ચમચી જીરૂ, ૧ નાની ચમચી રાઈ, ૨ નંગ ટામેટાં બારીક સમારેલાં, ૨ ચમચી આદુ-લસણ પેસ્ટ, ૧ કપ લીલાં મરચાં-લીલાં લસણની પેસ્ટ, ચપટી હિંગ, ૧ ચમચી હળદર, ૨ ચમચી કાશ્મીરી મરચું, ૨ ચમચી ગરમ મસાલો, ૨ ચમચી ખાંડ, મીઠું સ્વાદાનુસાર.
– રીતઃ (૧) પ્રથમ બધાં શાકભાજીને બરાબર ધોઈ ને લૂછી નાખો. (૨) નાની બટાકીની છાલ કાઢી લો, શક્કરિયાને છાલ સાથે ગોળાકારે કાપી લો. રતાળુની છાલ ઉતારી તેના ટુકડા કરો. (૩) સુરતી પાપડીને છોલી સાફ કરી લો. દાણાવાળી પાપડીના દાણા કાઢી લો. રવૈયા માટે ઉપરોક્ત તમામ સામગ્રી અને તેલ મિક્સ કરી ભરવાના મસાલાને રેડી દો. રવૈયામાં કાપા પાડી તેમાં મસાલો ભરો.(૪) સ્ટીમરને પ્રિહિટ કરવા મૂકી, નીચે પાણી અને ઉપર જાળી મૂકી શાક ગોઠવતાં ઉપર રવૈયા મૂકી વરાળે બાફી લો.(૫) ૧૫-૨૦ મિનિટમાં શાક બફાઈ જશે. (૬) એક તાસકમાં મેથીના મુઠિયા બનાવવા મેથી, બધી ચીજ-વસ્તુ અને લીલાં-સૂકાં મસાલા મિક્સ કરી, ભાખરી જેવો લોટ બાંધી લો અને મુઠિયા વાળી તેલ મૂકી તળી લો. (૭) ઊંધિંયુ વઘારવા કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, અજમો, હિંગનો વઘાર કરો. (૮) પછી તેમાં ટામેટાં ઉમેરી સાંતળી લો.પછી આદુ-લસણની પેસ્ટ અને લીલાં લસણ- મરચાંની પેસ્ટ ઉમેરો. પછી તેમાં બધા સૂકા મસાલા ઉમેરો. (૯) પછી એક પછી એક બધાં શાક ઉમેરી તાવેથાથી હલાવતાં રહો. પછી કોથમીર, લીલું લસણ, ગરમ મસાલો, મીઠું અને થોડું ગરમ પાણી ઉમેરો. (૧૦) ઊંધિયાને હળવેથી હલાવતાં રહો, જેથી શાક તૂટી ન જાય. પછી તેમાં તળેલા મુઠિયા નાખી ૧૦-૧૨ મિનિટ રંધાવા દો. (૧૧) હવે ઊંધિયું તૈયાર છે…આ સુરતી ઊંધિયાને લીલા લસણથી ગાર્નીશ કરી ગરમાગરમ પૂરી સાથે પીરસો.
……….
(૦) તલ-સિંગની બરફી
– સામગ્રીઃ તલ ૨૦૦ ગ્રામ, ગોળ ૨૫૦ ગ્રામ, શિંગદાણા શેકેલા ૨૦૦ ગ્રામ, ઘી ૩ ચમચી, ઇલાયચી પાઉડર પા ચમચી.
– રીતઃ (૧) કઢાઈમાં તલને મધ્યમ આંચે તતડે ત્યાં સુધી શેકી નાખો. શેકેલા તલ ઠંડા પડે પછી મિક્સીમાં અધકચરા વાટી લો, તેમાં ભૂકો કરેલા શિંગદાણા ભેળવી દો. (૨) ગોળને એકદમ બારીક સમારી નાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળને બરાબર ઓગાળે ત્યાં સુધી ગરમ કરો. ગોળ બરાબર ઓગળી જાય પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી સાથે તલ-શિંગદાણાનો ભૂકો પણ મેળવી દો. બધું મિશ્રણ એકરસ થાય એટલે થાળીમાં ઘી લગાડી એ મિશ્રણને પાથરી દઇ હાથથી થપથપાવી દો. થોડીવાર બાદ ચપ્પૂથી ચોસલા પાડી લો. એકાદ કલાક બાદ બરફી ઠંડી પડે એટલે ડબ્બામાં ભરી લો.
……….
(૦) બાજરીના પુડા
– સામગ્રીઃ બાજરીનો લોટ ૩ કપ, ચણાનો લોટ ૧ કપ, દહીં ૧ કપ, અજમો ૨ નાની ચમચી, હિંગ ૨ ચપટી, હળદર અર્ધી નાની ચમચી, મરચું પાઉડર સ્વાદાનુસાર, ધાણાજીરૂ પાઉડર ૩ નાની ચમચી, કોથમીર બારીક સમારેલી ૨ કપ, આદુ-મરચાંની પેસ્ટ ૩ નાની ચમચી, તેલ સાંતળવા પૂરતું, સફેદ તલ ૩ નાની ચમચી.
– રીતઃ (૧) દહીંમાં સૂકા તમામ મસાલા, આદુ-મરચાંની પેસ્ટ, અજમો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું ભેળવી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં બાજરીનો અને ચણાનો લોટ ભેળવી દઇ, થોડું થોડું પાણી નાખી એકરસ ખીરું તૈયાર કરો. આ ખીરાને ૧૫-૨૦ મિનિટ ઢાંકણ ઢાંકીને રહેવા દો. (૨) પછી એક નાનું પેન ગેસ પર ગરમ કરવા મૂકો. પેન બરાબર ગરમ થાય પછી તેમાં ૧ ચમચી તેલ રેડી ઉપરથી તલ ભભરાવી કડછીથી બાજરીના લોટનું ખીરું રેડી પુડો બનાવો. પુડાની ફરતે ૧ નાની ચમચી તેલ રેડી થોડીવાર પછી ઉથલાવી દો. બીજી બાજુએ પણ ૧ નાની ચમચી તેલ રેડી પુડો બરાબર શેકાય એટલે ઉતારી લો. ટોમેટો કેચઅપ અને ચટણી સાથે પુડો પીરસો. આ પુડા ગરમાગરમ જ વધુ સ્વાદિષ્ટ લાગશે.
……….
(૦) મટર મસાલા
– સામગ્રીઃ લીલા વટાણા ૩ કપ, ચણાનો લોટ ૨ ચમચી, આદુ ૨ ઈંચ, ટામેટાં ૩, લીલાં મરચાં ૪-૫, જીરૂ ૧ નાની ચમચી, તમાલપત્ર ૧, મરચું પાઉડર ૨ નાની ચમચી, ધાણાજીરૂ ૨ નાની ચમચી, હળદર ૧ નાની ચમચી, કસૂરી મેથી ૧ ચમચી, કિચન કિંગ મસાલો કે ગરમ મસાલો સ્વાદાનુસાર, મલાઈ કે દહીં નાની ૩ ચમચી.
– રીતઃ (૧) કઢાઇમાં તેલ મૂકી જીરૂ અને તમાલપત્રનો વઘાર કરો, પછી ખમણેલું આદુ તથા ઝીણાં સમારેલાં મરચાં ઉમેરો. (૨) ૨-૩ મિનિટ સાંતળ્યા પછી તેમાં મરચું પાઉડર, હળદર, ધાણાજીરુ અને કસૂરી મેથી ભેળવો (૩) ૨-૩ મિનિટ પછી એમાં ચણાનો લોટ ભેળવો. લોટ બરાબર શેકાઇ જાય પછી ક્રશ કરેલાં ટામેટાં ઉમેરો. (૪) ટામેટાં સરખા સાંતળ્યા પછી તેમાંનું તેલ છૂટું પડે એટલે કિચન કિંગ મસાલો ઉમેરો. એ પછી મલાઈ (કે ક્રીમ) કે દહીં ફેંટીને ભેળવો. ૧-૨ મિનિટ પછી તેમાં વટાણા ઉમેરી ૨-૪ મિનિટ સાંતળ્યા બાદ ૨-અઢી કપ ગરમ પાણી ઉમેરી, વાસણને ઢાંકી દો. (૫) ધીમી આંચે ૭-૮ મિનિટ વટાણા ચઢી જાય પછી સમારેલી કોથમીર ભભરાવી ગરમાગરમ શાકને રોટલી કે પરાઠા સાથે પીરસો.
sanjogpurti@gmail.com







































