અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળીયા ગામના સામાજિક કાર્યકર દ્વારા ભાજપના સિનિયર નેતા પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે મોરચો માંડવામાં આવ્યો છે. પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે અલગ અલગ ૪ જેટલી માંગણીઓ સાથે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, નાથાલાલ સુખડીયા દ્વારા તંત્રને લેખિત ૭ દિવસ પહેલા અરજી આપવામા આવી હતી. તેમની માંગ સ્વીકારવામાં નહિ આવે તો કલેકટર કચેરીમાં અર્ધનગ્ન હાલતમાં બેસી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેને લઇને આજે નાથાલાલ સુખડીયાએ કલેક્ટર કચેરીમાં અર્ધનગ્ન હાલતમાં આવી બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનને લઈ પોલીસ પણ દોડી આવી હતી અને બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે, આ પ્રદર્શન બાદ કલેકટર કચેરી દ્વારા તપાસ કરવા માટે લેખિત આદેશ કરતા હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ફરી નાથાલાલ સુખડીયા માલધારીઓ સાથે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે.