આજકાલ તો ફ્રોડ જાણે નવાઈ જ રહી નથી. રોજ સવાર પડેને નવાને નવા જ પ્રકારના સાઇબર ફ્રોડના કીમિયા સામે આવતા જાય છે. મહેસાણા જિલ્લામાં સાઇબર ફ્રોડનો આવો જ એક કિસ્સો નોંધાયો છે. તેમા ટીચર ઓફ ખેરાલુ-૧ વોટ્‌સએપ ગ્રુપમાં છેતરપિંડી થઈ છે. અત્યાર સુધી તો ફોનમાં સાઇબર ફ્રોડ કે છેતરપિંડી થતી હોવાના કિસ્સા સામે આવતા હતા, પરંતુ આ પહેલી વખત વોટ્‌સએપ ગ્રુપમાં છેતરપિંડી થયાનો પર્દાફાશ થયો છે.મહેસાણા ટીચર્સ ઓફ ખેરાલુ-૧ વોટ્‌સએપ ગ્રુપમાં અજાણ્યા નંબરથી આવેલા સંદેશાએ શિક્ષકોને છેતર્યા હતા. આ ગ્રુપમાં બીઓઆઇના મેસેજમાં એપ્લીકેશન જેવી ફાઇલ ગ્રુપમાં આવી હતી. હવે જે શિક્ષકોએ આ અજાણી ફાઇલ ડાઉનલોડ કરી હતી તે બધા છેતરાયા હતા. હેકરે એપ્લીકેશન ફાઇલ મેસેજથી મોબાઇલ હેક કરીને રૂપિયા ઉપાડ્યા હતા.ખેરાલુના મંડાલી પ્રાથમિક શાળાની શિક્ષિકા આ એપ્લીકેશન ડાઉનલોડ કરતાં છેતરાઈ હતી. ભારતી ગુર્જર નામની શિક્ષિકાનો મોબાઇલ અજાણ્યા હેકરે હેક કર્યો હતો. અજાણ્યા હેકરે મોબાઇલ હેક કરીને ૯.૬૫ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. તેણે વારાફરતી કુલ ૧૮૬ ટ્રાન્ઝેકશન કરીને કુલ ૯.૬૫ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ફક્ત આ શિક્ષિકા જ નહીં આ ગ્રુપમાં ખેરાલુના દેદાસણ પ્રાથમિક શાળાના શિક્ષક પણ ફ્રોડનો શિકાર બન્યા હતા. હરેશ પટેલે પણ એપ ડાઉનલોડ કરતાં તેમનો મોબાઇલ હેક થયો હતો. શિક્ષક હરેશ પટેલના બેન્ક ખાતામાંથી ૨.૨૫ લાખ રૂપિયા ઉપાડી લેવાયા હતા.  આ સિવાય ખેરાલુના બીજા બે શિક્ષકો પણ સાઇબર ફ્રોડનો ભોગ બન્યા હતા.શિક્ષકોના વોટ્‌સએપ ગ્રુપમાં આવેલી લિંક ફ્રોડનું કારણ બની છે. મહેસાણા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેના અંગે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા પોલીસે તેની તપાસ શરૂ કરી છે. આમ પણ છેલ્લા કેટલાક સમયથી મહેસાણામાં સાઇબર ફ્રોડના બનાવ ખૂબ બનવા લાગ્યા છે.