સામાન્ય રીતે સમાજમાં થતા સમૂહ લગ્નો વર્ષમાં એકાદ વખત યોજાતા હોય છે, જેના માટે પરિવારો અને નવદંપતીઓએ મહિનાઓ સુધી રાહ જાવી પડતી હોય છે. પરંતુ મહેસાણામાં એક સમાજે ચીલાચાલુ પ્રથા તોડીને એક નવતર અભિગમ અપનાવ્યો છે. મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ રોકવા અને પરિવારોને સુવિધા પૂરી પાડવા માટે ‘દૈનિક લગ્ન યોજના’ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ હવે સમાજના લોકોએ સમૂહ લગ્નની ચોક્કસ તારીખની રાહ જાવાની જરૂર નથી, પરંતુ તેઓ પોતાની અનુકૂળતા મુજબના મુહૂર્તમાં સમાજની વાડીમાં લગ્ન કરી શકે છે.
પાટણવાડા ગજ્જર સુથાર સમાજના પ્રમુખ દિનેશભાઈ સુથારે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પરંપરાગત સમૂહ લગ્નોમાં એક જ તારીખે અનેક યુગલોના લગ્ન થતા હોય છે. જેમાં મંડપ, ભોજન સમારોહ, પાર્કિંગ અને અન્ય વ્યવસ્થાઓ પાછળ સમાજને લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. ઘણીવાર યુવક-યુવતીઓની સગાઈ થઈ ગઈ હોય તો પણ સમૂહ લગ્નની તારીખ માટે ૬ થી ૧૨ મહિના રાહ જાવી પડતી હતી.
આ સમસ્યાના નિવારણ માટે સમાજે ‘દૈનિક લગ્ન યોજના’ શરૂ કરી છે. જેમાં દીકરા-દીકરીના પરિવારજનો પોતાના જ્યોતિષ કે ગોર મહારાજ પાસે જઈને પોતાનું વ્યકિતગત મુહૂર્ત કઢાવી શકે છે. જે તારીખ આવે તે દિવસે સમાજની વાડીમાં આવીને તેઓ લગ્ન કરી શકે છે. અહીં માત્ર એક કે બે યુગલોના લગ્ન હોવાથી વ્યવસ્થા પણ જળવાઈ રહે છે અને ભીડભાડ વગર શાંતિથી પ્રસંગ ઉકેલાય છે.
દિનેશભાઈએ આર્થિક પાસા વિશે ચોંકાવનારી વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, “ગયા વર્ષે સમૂહ લગ્નમાં ૬ યુગલો જાડાયા હતા, જેની પાછળ સમાજને લગભગ ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેની સામે આ નવી દૈનિક યોજનામાં જા ૬ લગ્ન અલગ-અલગ દિવસોએ કરવામાં આવે, તો પણ મહત્તમ ખર્ચ ૨ લાખ રૂપિયાની અંદર પતી જાય છે.”
આ યોજનામાં દાતા માત્ર ૩૧૦૦૦ રૂપિયા જમા કરાવે છે. એટલે કે, તમામ ખર્ચ સમાજ ભોગવે છે. આનાથી સમાજને ફંડની બચત થાય છે અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળે છે.
સમાજના કારોબારી સભ્ય જશવંતભાઈ સુથારે આ યોજનાના અન્ય ફાયદાઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સમાજના ઘણા યુવક-યુવતીઓ વિદેશમાં અભ્યાસ અર્થે જાય છે. જ્યારે તેઓ ભારત પરત આવે ત્યારે તેમની પાસે મર્યાદિત રજાઓ (જેમ કે એક મહિનો) હોય છે. આવા સમયે જા સમૂહ લગ્નની તારીખ નજીકમાં ન હોય, તો તેમણે મુશ્કેલી પડતી હતી. પરંતુ દૈનિક લગ્ન યોજનાને કારણે તેઓ વેકેશન દરમિયાન ગમે ત્યારે લગ્ન કરી શકે છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ૪ યુગલોએ નોંધણી કરાવી લીધી છે.
આ યોજનાનો લાભ લેનાર પરિવાર અને સમાજની મહિલા અગ્રણીઓએ પણ ભારે આનંદ વ્યક્ત કર્યો હતો. બીજલબેન ગજ્જરે જણાવ્યું હતું કે દરેક મા-બાપનું સપનું હોય છે કે તેમના સંતાનના લગ્ન ધામધૂમથી થાય, પરંતુ આર્થિક પરિસ્થિતિ  ક્યારેક બાધારૂપ બનતી હોય છે. આ યોજનામાં ઓછા ખર્ચે પણ પ્રાઈવેટ લગ્ન જેવો માહોલ મળે છે.
કન્યા પક્ષેથી જયેશભાઈ રતિલાલ સુથાર અને મંદાબેન સુથારે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, “અમને એવું જ લાગી રહ્યું છે કે અમે અમારા ઘરે જ પ્રાઇવેટ લગ્ન યોજ્યા છે. અહીં કોઈ ધક્કામુક્કી નથી, જમણવાર અને ઉતારાની સગવડ ખૂબ જ સુંદર છે. સમૂહ લગ્નમાં ઘણીવાર ભીડને કારણે જે અવ્યવસ્થા સર્જાતી હોય છે, તે અહીં જાવા મળતી નથી.”