ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે સરકારી જમીન બારોબાર વેચી દેવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વર્ષો પહેલા સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી કરોડોની જમીન રેકોર્ડની ક્ષતિનો લાભ લઈને ભૂમાફિયાઓએ પચાવી પાડી હોવાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવ્યા બાદ આખરે ૮ શખ્સો વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધાયો છે.
મહુધા સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પિયુષ ગોવનભાઇ દેશમુખ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, વાંઠવાળી ગામના સર્વે નંબર ૫૦૬/૪ (બ્લોક નંબર ૮૪૫) અને અન્ય સર્વે નંબરો વાળી (બ્લોક નંબર ૮૩૬) જમીનો વર્ષ ૧૯૭૯માં સરકારે મૂળ ખેડૂતોને વળતર ચૂકવીને સંપાદિત કરી હતી. આ જમીન પર સિંચાઈ વિભાગ દ્વારા સેક્શન કોલોનીના મકાનો બનાવવામાં આવ્યા હતા, જે લાંબા સમયથી જર્જરિત અને બંધ હાલતમાં હતા.
સરકારી અધિકારીઓની કથિત બેદરકારીને કારણે જમીન સંપાદિત થયા હોવા છતાં રેકોર્ડમાં જરૂરી સુધારા (દુરસ્તી) થયા ન હતા. આ ક્ષતિનો ગેરલાભ ઉઠાવીને મૂળ જમીન માલિકોના વારસદારોએ કાવતરું રચ્યું હતું. તેઓએ જમીન પર પોતાના નામે વારસાઈ કરાવી દીધી અને ત્યારબાદ કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વિના જમીન પર આવેલા સરકારી મકાનો અને કમ્પાઉન્ડ વોલ તોડી પાડ્યા હતા. આ રીતે સરકારી મિલકતને નાણાકીય નુકસાન પહોંચાડીને આ જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલે (૧) ફુલાબેન બેચરભાઇ પરમાર (૨) ભરતકુમાર બેચરભાઇ પરમાર (૩) વિમળાબેન બેચરભાઇ પરમાર (૪) ચંદ્રકાંત મોહનભાઇ પટેલ (૫) સવિતાબેન ચંદ્રકાંત પટેલ (૬) આશિષકુમાર ચંદ્રકાંત પટેલ (૭) જયેશભાઇ મેઘવાલ અને (૮) જમીન ખરીદનાર ભાવિનકુમાર ભીખાભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જમીન ખરીદનાર વ્યક્તિઓ રાજકીય વગ અને મોટું માથું ધરાવે છે.
જિલ્લા કલેક્ટર નડીયાદના આદેશ બાદ મહેમદાવાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૨), ૩૨૪(૩), ૩૨૪(૫), ૩૨૯(૩) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાગૃત નાગરિકોના મતે, કરોડોની સરકારી મિલકત પચાવી પાડનારા આ ભેજાબાજા સામે કડકમાં કડક કાર્યવાહી થવી જાઈએ. હાલમાં પોલીસ આ મામલે અન્ય કોની સંડોવણી છે અને કયા સ્તરે લાપરવાહી રહી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



































