ગુનેગાર ભલે ગમે તેટલો શાતિર હોવા છતા તે પોલીસની નજરથી બચી શકતો નથી. પરંતુ ગુનેગારને ખુદ પોલીસ જ બચાવતી હોય તો? ભાવનગર શહેરમાં ખાખીને ડાઘ લગાવતો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસની ફરજ અને ઈમાનદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં થોડા સમય પહેલા એટ્રોસિટી ગુન્હા અંતર્ગત પાર્થ દિનેશ ધાંધલ્યા સહિત ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં આરોપી પાર્થ ધાંધલ્યા ફરાર હતો અને ભાવનગર પોલીસ તેને શોધવા આખું શહેર ફેંદી રહી હતી.પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, આ વોન્ટેડ આરોપીને ભાવનગર પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ (હવે સસ્પેન્ડેડ) નયના નાનજીભાઈ બારૈયાએ પોતાના જ ઘરમાં આશરો આપ્યો હતો! નયના બારૈયા ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથક અને એએચટીયુ પોલીસમાં ફરજ બજાવતી હતી એસસી એસટી સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલ્યા મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરમાં આશરો લઈ રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે નયનાના રોયલ પાર્કમાં આવેલા ઘરે સંયુક્ત રેડ કરી હતી.પોલીસે જ્યારે નયનાના ઘરે ચેકિંગ કર્યું, ત્યારે ત્યાંથી વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યા (ઉં.વ. ૨૬) હાજર મળી આવ્યો હતો.આ ઉપરાંત, કહેવાતી દારૂબંધી વચ્ચે પોલીસને નયનાના ઘરમાંથી ઈંગ્લીશ દારૂની એક બોટલ અને બિયરના ખાલી ટીન પણ મળી આવ્યા હતા.ઘરમાં સર્ચ દરમિયાન એક રૂમમાંથી અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની (ઉં.વ. ૨૯) પણ હાજર મળી આવી હતી. આથી ત્રણેયની પોલીસે ધરપકડ કરી હતી. ઉષા જાની પણ ભાવનગર પોલીસમાં જ ફરજ બજાવે છે. મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની આ હરકતથી આખા પોલીસ બેડાની ‘નજર નીચી’ થઈ ગઈ છે અને ખાખીની શાખ પર ગંભીર ડાઘ લાગ્યો છે. ભરતનગર પોલીસ મથકમાં એએચટીયુમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયા (આરોપીને આશરો આપનાર), મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની (ઘરમાં હાજર અને મદદગારી), વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યા (એટ્રોસિટી કેસનો આરોપી). ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ઉપરાંત, બંને મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ વોન્ટેડ આરોપીને આશરો આપવા બદલ (મદદગારી) અલગથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરતનગર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.આ અંગે ડીવાયએસપી રીમા ઝાલાએ માહિતી આપી હતી કે, ૧૩ સપ્ટેમ્બરના રોજ મારામારી અને એટ્રોસિટીની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો અને આરોપીઓ ફરાર હતા. મહિલા કોન્સ્ટેબલના ઘરે આરોપીઓ સંતાયેલા હોવાની ૧૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ખાનગી બાતમી મળી હતી.જેને આધારે પેરોલ ફર્લોની ટીમો અને એસસી એસટી સેલએ ઝડતી કરતા આરોપી મળી આવ્યો હતો અને ઝડતી દરમિયાન દારૂની બોટલ પણ મળી આવી હતી. આ બનાવથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે.જે પોલીસકર્મી પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે, તે જ કાયદાનું ઉલ્લંઘન કરે અને ગુનેગારોને મદદ કરે, ત્યારે કાયદાના શાસન પર ગંભીર સવાલો ઊભા થવા સ્વાભાવિક છે.








































