મધ્ય પ્રદેશમાં ગૃહ વિભાગે પહેલી વખત કોઈ પોલીસ આરક્ષકને લિંગ પરિવર્તન કરવા માટેની મંજૂરી આપી છે. જેને મંજૂરી આપવામાં આવી છે તે એક મહિલા આરક્ષક છે. તેણે પુરૂષ બનવા માટે લિંગ પરિવર્તન કરાવવાની મંજૂરી માગી હતી. રાષ્ટ્રીય સ્તરના મનોચિકિત્સકોએ આ વાતની પૃષ્ટિ કરી છે કે, મહિલા આરક્ષકને બાળપણથી જ જેન્ડર આઈડેન્ટિટી સંબંધી ડિસઓર્ડર રહ્યો છે.
જાણવા મળ્યા મુજબ અનિતા (બદલાવેલું નામ) મહિલા આરક્ષક તરીકે પદસ્થ છે. ડીજીપી દ્વારા તેને લિંગ પરિવર્તન કરાવવા માટેની મંજૂરી આપવામાં આવેલી છે. તેણે પોતાના જિલ્લામાં પુરૂષોની માફક પોલીસના કામ કરેલા છે. આ સાથે જ વિધિવત અરજી પણ કરી હતી. શપથ પત્ર પણ રજૂ કર્યું હતું. ભારત સરકારના રાજપત્રમાં ૨૦૧૯ના વર્ષમાં લિંગ પરિવર્તનની ઈચ્છા દર્શાવતી સૂચના આપી હતી અને ત્યાર બાદ પોલીસ હેડક્વાર્ટરમાં અરજી મોકલવામાં આવી હતી.
પોલીસ હેડક્વાર્ટરે આ અરજીને લઈ ગૃહ વિભાગની મંજૂરી માગી હતી. કાયદા વિભાગે ગૃહ વિભાગને કહ્યું હતું કે, ભારતીય નાગરિકને તેના ધર્મ કે જાતિ પર ધ્યાન આપ્યા વગર લિંગ પસંદગીની સ્વતંત્રતા છે. ત્યાર બાદ અનિતાને લિંગ પરિવર્તનની મંજૂરી આપવામાં કોઈ મુશ્કેલી નથી.
૫ વર્ષ પહેલા બીડની ૨૯ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ લલિતા સાલ્વેએ લિંગ પરિવર્તન માટેની મંજૂરી માગી હતી. તે દેશનો પ્રથમ કેસ હતો. તમામ કાયદાકીય અડચણો દૂર કર્યા બાદ તે લલિતા સાલ્વેમાંથી લલિત સાલ્વે બની ગઈ હતી. તે કાયદાકીય પ્રક્રિયામાં તેને ૨-૩ વર્ષ લાગી ગયા હતા.