મહારાષ્ટમાં ખાલી પડેલી બે વિધાનસભા બેઠકો માટે રાજકીય શતરંજ ગોઠવાઈ ગઈ છે. શાસક ગઠબંધન (મહાયુતિ) એ તેના ઉમેદવારોના નામ અંતિમ સ્વરૂપ આપી દીધા છે. ભાજપે અહિલ્યાનગર (અગાઉ અહમદનગર) જિલ્લાની રાહુરી બેઠક માટે અક્ષય કર્ડિલેને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના ધારાસભ્ય શિવાજી કર્ડિલેના અકાળ અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. અક્ષય કર્ડીલે સ્વર્ગસ્થ શિવાજી કર્ડીલેના પુત્ર છે.
આ દરમિયાન, રાજ્યની સૌથી હાઇ-પ્રોફાઇલ બેઠકોમાંની એક, બારામતીમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન પછી આ બેઠક ખાલી પડી હતી. તેમના પત્ની સુનેત્રા પવાર અજિત પવારના વારસાને આગળ વધારવા માટે ચૂંટણી લડશે. બારામતી પવાર પરિવારનો ગઢ રહ્યો છે, તેથી સુનેત્રા પવારની ઉમેદવારીનું ખૂબ મહત્વ છે.
સુનેત્રા પવાર હાલમાં મહારાષ્ટના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપે છે. તેમને બારામતીમાં ‘વાહિની’ (ભાભી) તરીકે ઓળખવામાં આવે છે. જાન્યુઆરી ૨૦૨૬ માં વિમાન દુર્ઘટનામાં અજિત પવારના અકાળ અવસાન પછી, તેમણે સક્રિય રાજકારણનો હવાલો સંભાળ્યો છે.
બીજી બાજુ, વિપક્ષ આ બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખવા કે નહીં તે અંગે વિચારણા કરી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાનો દાવો રજૂ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જા શરદ પવારની પાર્ટી બંને બેઠકો માટે ઉમેદવારો ઉભા નહીં રાખે, તો તે ચૂંટણી લડવા માટે તૈયાર છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, આ બે બેઠકો માટે મતદાન ૨૩ એપ્રિલે થશે અને ચૂંટણી પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે.