અમરેલીથી ભોજલધામ જતા રોડને બદલે અન્ય જગ્યાએ
અમરેલી જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ નંદલાલ ભડકણે અમરેલીથી ફતેપુર (ભોજલધામ) તરફ જતા રોડ સાઈડ મરેલા પશુ નાખવાથી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાતી હોવાનું નગરપાલિકાના સત્તાધિશોને પત્ર લખીને જણાવ્યું છે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમરેલીથી ફતેપુર (ભોજલધામ) ખંભાળીયા, ચાંપાથળ, પીઠવાજાળ, તરકતળાવ, રાજસ્થળી ગામોને જોડતા આ રોડની સાઈડમાં મરેલા પશુના હાડકા, માંસ, ચામડા નખાતા હોવાથી અહીં અતિ દુર્ગંધ આવે છે. આથી ઉપરોક્ત તમામ ગામના લોકો આ રોડ પરથી પસાર થાય ત્યારે અતિ દુર્ગંધ આવવાના કારણે રાહદારીઓ ત્રાહીમામ પોકારી જાય છે. આ ઉપરાંત ફતેપુર ગામમાં સંતશ્રી ભોજલરામ બાપાનું મંદિર હોવાથી અનેક શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને પણ અહીં પોતાની માનતા પુરી કરવા આવતા હોઈ જેથી રસ્તા ઉપર હાડકા, માંસ વગેરેના કારણે શ્રધ્ધાળુઓની લાગણી પણ દુભાય છે. ૩/૮/૨૦૨૫ના રોજ સંતશ્રી ભોજલરામ બાપાની ૨૪૨મી જન્મ જયંતિ હોવાથી નાગનાથ મહાદેવ મંદિરથી ભોજલધામ પદયાત્રા યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.
જેથી રોડ સાઇડ અતિ દુર્ગંધ મારતી ગંદકી સત્વરે દુર કરવા તેમજ કાયમી ધોરણે અહીં ગંદકીનું નિરાકરણ લાવવા માગણી કરવામાં આવી છે. આ પત્રની નકલ જિલ્લા કલેક્ટરને પણ મોકલી છે.