એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના દરોડા બાદ ગુરુવારથી ચૂંટણીલક્ષી રાજ્ય પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ ફાટી નીકળી છે. રાજકીય સલાહકાર કંપની આઇ પીએસીના કોલકાતા નિવાસસ્થાન અને કાર્યાલય પર દરોડા બાદ ટીએમસી કેન્દ્રિય ભાજપ સરકાર પર હુમલો કરી રહી છે. આવી સ્થિતિમાં, શુક્રવારે રાજધાની દિલ્હી અને બંગાળમાં ટીએમસી કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. હવે, ટીએમસી વિરોધ પ્રદર્શન અંગે દિલ્હીમાં યોજાયેલી ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં, રવિશંકર પ્રસાદે મમતા બેનર્જી અને તેમના પક્ષ પર નિશાન સાધ્યું.
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું, “બંગાળમાં જે બન્યું તે સ્વતંત્ર ભારતમાં પહેલાં ક્યારેય બન્યું નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીના બધા કાર્યો માત્ર અનૈતિક, બેજવાબદાર અને ગેરબંધારણીય નથી, પરંતુ તેમણે સમગ્ર લોકશાહી પ્રક્રિયાને પણ શરમજનક બનાવી છે.” ભાજપે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી બંગાળમાં કોઈ તપાસ થવા દેતી નથી. મમતા બેનર્જી પર ઈડી અધિકારીઓને ધમકી આપવાનો પણ આરોપ હતો.
રવિશંકર પ્રસાદે કહ્યું કે એક વર્તમાન મુખ્યમંત્રી એવી ખાનગી મિલકતમાં પ્રવેશ કરશે જ્યાં ઈડ્ઢ મની લોન્ડરિંગ તપાસ કરી રહી છે અને તેમને ધમકી આપશે. તે કાગળો છીનવી લેશે અને પછી ચાલ્યા જશે. ભાજપના સાંસદે કહ્યું કે કોલસા કૌભાંડ સાથે જાડાયેલી ખાનગી કંપની પર ઈડીનો દરોડો હતો.
ભાજેપે મમતા બેનર્જીને ઘેરી લીધા, પૂછ્યું કે તેઓ આ બાબતે કેમ ગભરાઈ રહી છે. મમતા બેનર્જીનું વલણ બેફામ છે. તેઓ આ તપાસથી શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે? ભાજપે વધુમાં આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ દરોડા દરમિયાન દસ્તાવેજા છીનવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે (૮ જાન્યુઆરી) ઈડીની ટીમે રાજકીય સલાહકાર કંપની આઇ પીએસીના કોલકાતા કાર્યાલય અને કંપનીના વડા પ્રતીક જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે હાજર હતા. તેમણે ઈડી પર મહત્વપૂર્ણ દસ્તાવેજા ચોરી કરવાનો આરોપ લગાવ્યો અને કેન્દ્રની મોદી સરકારની પણ ટીકા કરી.







































