સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા મહારાષ્ટ્રની મતદાર યાદી સંબંધિત ખોટી માહિતી ફેલાવવા બદલ ચૂંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલી બે એફઆઇઆરના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી નિષ્ણાત સંજય કુમારને ધરપકડથી રક્ષણ આપ્યું છે.
ચીફ જસ્ટીસ બી.આર. ગવઈ અને જસ્ટીસ એન.વી. અંજારિયાની બેન્ચે વરિષ્ઠ વકીલ વિવેક તંખા અને એડવોકેટ સુમીર સોઢીની રજૂઆતોની નોંધ લીધી કે ચૂંટણી નિષ્ણાત દ્વારા જાહેર માફી માંગવા છતાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “નોટિસ જારી કરો. આ દરમિયાન કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ ખાતે લોકનીતિના સહ-નિર્દેશક સંજય કુમારે મહારાષ્ટ્રમાં તેમની સામે નોંધાયેલી બે એફઆઈઆર રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો છે.
એફઆઈઆરમાં તેમના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર પોસ્ટ દ્વારા મહારાષ્ટ્રની મતદાર યાદી સંબંધિત ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે.
પીટીશનમાં આરોપ છે કે આ એફઆઈઆર કાયદાનો દુરુપયોગ છે. ઓછામાં ઓછી એક સાચી ભૂલ માટે તે એક શિક્ષણવિદને હેરાન કરવાનો પ્રયાસ છે.